જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. શહેરના માધવહીલ કોમ્પલેક્સનો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો. 10થી 15 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. બેન્કના કર્મચારીઓ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.




ફાયર વિભાગની ટીમ હાલ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા. એક તરફનો ભાગ જર્જરિત હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી. માધવહિલ કોમ્પલેક્સમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે કલેક્ટરના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.




ઘટનાની જાણ થતા શહેર પોલીસ, 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે હજુ સુધી જાનહાનિના કોઇ સમાચાર નથી. કેટલાક લોકોને  સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. કોમ્પલેક્સમાં 15થી 20 જેટલી દુકાન અને ઓફિસ આવેલી છે. ફાયર વિભાગની સાથે સ્થાનિકો પણ બચાવકાર્યમાં જોડાયા હતા.


મનપા કમિશનરે કહ્યું હતું કે 18થી 20 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. હજુ પણ એક મહિલા કાટમાળમાં ફસાઇ છે.આ મામલે મેયર કિર્તીબેન દાણીધારીયા કહ્યું હતું કે જર્જરિત મકાન અંગે નોટિસ પણ આપવામાં આવે છે. આ બિલ્ડિંગ જર્જરિત નહોતી. બિલ્ડિંગ જર્જરિત નહોતી એટલે નોટિસ નહોતી આપી.


તે સિવાય કલેક્ટર આર.કે. મહેતાએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. હજુ પણ બે લોકો ફસાયા હોવાની આશંકા છે.


ત્રણ માળની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. ફાયર બ્રિગેડ અને સ્થાનિકો કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા હતા. કાટમાળને હટાવવા માટે JCBની મદદ લેવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ ફ્લોરની ઓફિસમાં હજુ લોકો ફસાયા હોવાની આશંકા છે.


નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. જૂનાગઢના કડિયાવાડ નજીક દાતાર રોડ પરની ઇમારત ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.