Bhavnagar Duplicate Liquor: ભાવનગરમાં ચર્ચિત ડુપ્લિકેટ દારૂ મામલે અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેણે આ જીવલેણ અને બનાવટી દારૂ બનાવ્યો હતો, તે મુખ્ય કારીગરનું જ આ દારૂ પીવાના કારણે મોત નીપજ્યું છે! આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસે કડક વલણ અપનાવીને 21 જેટલા બુટલેગરો સામે સત્તાવાર રીતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ ડુપ્લિકેટ દારૂ બનાવવાનું મુખ્ય કારસ્તાન મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે ચાલી રહ્યું હતું. ગૌતમના ઘરે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવેલા રઈસ, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે 'ડોક્ટર' અને જુબેર નામના શખ્સોએ ભેગા મળીને આ નકલી દારૂ તૈયાર કર્યો હતો. આ કોઈ પહેલી વાર નહોતું બન્યું, આ અગાઉ પણ ગૌતમે આ જ રીતે 51 પેટી જેટલો ડુપ્લિકેટ દારૂ બનાવીને બજારમાં વેચી માર્યો હતો.
અમદાવાદથી મંગાવાયું હતું રો-મટીરિયલ
આ ઝેરી દારૂ બનાવવા માટેનું કાચું મટીરિયલ (રો-મટીરિયલ) અમદાવાદથી લાવવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે. અમદાવાદના સરખેજ સહિતના અલગ-અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વિદેશી દારૂની ખાલી બોટલો, બોટલના ઢાંકણા અને અન્ય સામગ્રી ટ્રાન્સપોર્ટ મારફતે ભાવનગર મંગાવવામાં આવી હતી.
આ કેમિકલયુક્ત મિશ્રણથી 'ડોક્ટર' તરીકે ઓળખાતા નરેન્દ્રસિંહ યાદવે ઝેરી દારૂ તૈયાર કર્યો હતો. 17 ઓગસ્ટના રોજ નરેન્દ્રસિંહે પોતે જ બનાવેલા આ દારૂનું સેવન કર્યું હતું, જેના કારણે તેની તબિયત ગંભીર રીતે લથડી હતી અને 18 ઓગસ્ટના રોજ તેનું મોત નીપજ્યું હતું.
વધુ એક આધેડની તબિયત બગડતા હોસ્પિટલના ICU માં દાખલ
બીજી તરફ, ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીવાથી વધુ એક વ્યક્તિ હોસ્પિટલ પહોંચી છે. શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ ટીવી કેન્દ્ર પાસે રહેતા 54 વર્ષીય અવિનાશભાઈ કાંતિભાઈ ડાંગરની તબિયત અચાનક બગડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અવિનાશભાઈએ ગત રાત્રે કોઈ કેફી પીણાનું સેવન કર્યું હતું. આજે સવારે તેમની સ્થિતિ અચાનક વધુ નાજુક બનતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં તેમની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને ICU વોર્ડમાં રાખીને વિશિષ્ટ સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ માત્ર 50,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરી ઘરે લાવો Maruti Baleno, સમજો EMI નું પૂરું ગણિત
ઘરમાંથી સરકારી શિક્ષકની શંકાસ્પદ હાલતમાં કોહવાયેલી લાશ મળી
આ તમામ ઘટનાઓ વચ્ચે શહેરના ગાંધી કોલોની સામે આવેલા ગિલ્બર્ટ (Gilbert) એપાર્ટમેન્ટના પ્રથમ માળેથી એક શિક્ષકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતક શિક્ષકની ઓળખ હિતેશભાઈ પરમાર તરીકે થઈ છે, જેઓ સિહોર તાલુકાના સોનગઢ ગામની સરકારી શાળામાં ફરજ બજાવતા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મીડિયાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરની અંદર જમીન પર શિક્ષકનો મૃતદેહ અત્યંત ખરાબ અને કોહવાઈ ગયેલી હાલતમાં પડ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, ઘરના રસોડામાંથી 'રોયલ સ્ટેગ' વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ પણ મળી આવી છે. આ શિક્ષકનું મોત પણ આ ડુપ્લિકેટ દારૂ પીવાથી જ થયું છે કે પછી કોઈ અન્ય કારણસર, તે અંગેનું સાચું સત્ય હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ હાલ તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ 28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
