ભાવનગરઃ પોલીસ બેઠામાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. ભાવનગરની કોન્સ્ટેબલ યુવતી એક સનસનીખેજ ટ્વીટ કરીને પોલીસ સ્ટાફ સામે જ બાંયો ચઢાવી છે. ભાવનગર મહિલા પોલીસનુ એક ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે, જેમાં તેને લખ્યું છે કે -મારા જ ડીપાર્ટમેન્ટે મને ગુનેગાર સાબિત કરીને મૂકી દીધી છે, મને સપોર્ટ કરજો......
ભાવનગરની આ મહિલા પોસીસ કર્મી યુવતીનુ નામ છે નીલમ મકવાણા. પોલીસ ગ્રેડ પે આંદોલનમાં સપોર્ટ કરવા બદલ બદલી કરાયેલી મહિલા કોન્સ્ટેબલ નીલમ મકવાણા ફરજ ઉપર હાજર નહીં થતા, છેવટે તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસ ગ્રેડ પે આંદોલન સમયે ફરજમાં હાજર નહીં રહેતા નીલમ મકવાણાની બદલી ભાવનગર કરવામાં આવી હતી.
નીલમ મકવાણાના ટ્વીટે સવાલો ઉભા કર્યા-
તેને પોતાના ટ્વીટમાં લખ્યું- ભાવનગર ખાતે મારા ઉપર ગુનો દાખલ કરવામાં આવેલ છે તો આજરોજ હું ત્યાં હાજર થવા જવાની છું તો બને એટલો મને સપોર્ટ કરવા વિનંતી છે મારા જ ડિપાર્ટમેન્ટે મને ગુનેગાર સાબિત કરીને મૂકી દીધી છે આ ન્યાયની લડત ક્યાં સુધી ચાલશે એની મને ખબર નથી પણ આશા છે કે મને ન્યાય મળશે જ..... નીલમ મકવાણાએ અન્ય પોલીસ કર્મીઓને પોતાને સપોર્ટ કરવા ટ્વિટ કરી માંગ કરી છે.
જાણો શું છે આખો મામલો
પોલીસ ગ્રેડ પે આંદોલનમાં શિસ્તભંગ કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મામલો થોડો થાળે પડતાં ગ્રેડ પે મુદ્દે વિરોધ કરનારા પોલીસકર્મીઓની એક ઝાટકે બદલી કરી દેવામાં આવી છે. 9 પોલીસ કર્મચારીઓની રાજ્યના વિવિધ જિલ્લાની અલગ અલગ જગ્યાએ બદલી કરી નાખવામાં આવી છે. ગાંધીનગરમાં વિધાનસભા બહાર હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલ ધરણાં પર બેઠો હતો. ગ્રેડ પે અને સાતમા પગાર માંગને લઈ ધરણાં પર બેઠેલા સેક્ટર 7 પોલીસ દ્વારા કોન્સ્ટેબલને પોતાની અભિવ્યક્તિ રજૂ કરતાં રોકવામાં આવ્યો હતો અને પોલીસે પોલીસ કોન્ટેબલને ધરણાં સ્થળેથી ડિટેઇન કર્યો હતો. જે બાદ શિસ્તભંગની કાર્યવાહી કરતાં ધરણા પર બેસનાર હાર્દિક પંડ્યાની જુનાગઢ બદલી કરી નાખવામાં આવી હતી.
---