Bhavnagar : ભાવનગર શહેર ભાજપ વિવાદોથી ઘેરાયુ છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાંથી ભાજપના 2 કોર્પોરેટર પંકજસિંહ ગોહિલ અને કુલદીપ પંડ્યાના રાજીનામાં લઇ લેવાયા છે. એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં ભાજપના નગરસેવકો પર ગંભીર આક્ષેપો થતા ભાવનગર શહેરનું રાજકારણ ગરમાયું છે. 


આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટરમાં જો હુકમી ચલાવી પૈસા કમાતા હોવાના આરોપો 
ભાજપના આ બંને કોર્પોરેટર પંકજસિંહ ગોહિલ અને કુલદીપ પંડ્યા ડ્રેનેજ અને આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટરમાં જો હુકમી ચલાવી પૈસા કમાતા હોવાનો મામલો પ્રદેશ સુધી પહોંચતા આજે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના  ચેરમેને કામની વ્યસ્તતા અને અંગત કારણોસર રાજીનામું આપ્યું ધરી દીધું હોવાનો ખુલાસો કર્યો હતો. 


ડ્રેનેજ કામનો કોન્ટ્રાક્ટ લેવામાં અને આર્થિક ગબન કરવામાં નામ ઉછળ્યાં 
ભાવનગર મહાનગરપાલિકા કોઈને કોઈ વિવાદોથી ઘેરાતું આવ્યું છે તેવામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. મહાનગરપાલિકાનો ડ્રેનેજ કામનો કોન્ટ્રાક્ટ લેવામાં અને આર્થિક ગબન કરવામાં કોર્પોરેટર પંકજસિંહ ગોહિલ અને કુલદીપ પંડ્યા ના નામ ઉછળ્યા છે. જોકે આ પ્રકરણમાં હજી સુધી સત્તાવાર રીતે કઈ વિગત સામે આવી નથી. પરંતુ ભાજપના પ્રદેશ સંગઠન સુધી મામલો પહોંચતા બંને કોર્પોરેટરના સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્યપદ પરથી આજે રાજીનામાં લઈ લેવાયા છે. 


સવાલોથી બચ્યા બન્ને કોર્પોરેટર 
જોકે આ સંદર્ભે એબીપી અસ્મિતા દ્વારા બંને કોર્પોરેટરનો સંપર્ક કરતા તેમને સવાલોથી બચીને બહાર હોવાનું જણાવ્યું હતું અને આ સંદર્ભે કશું કહેવા માંગતા ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. 


કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા 
સમગ્ર મામલો બહાર આવતા કોંગ્રેસ દ્વારા પણ મોરચો ખોલવામાં આવ્યો છે. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ સ્પષ્ટ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર થયો છે, આર્થિક લાભ મેળવવા માટે પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તેમાંથી કટકી કરવામાં આવે છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા બંને કોર્પોરેટરને સસ્પેન્ડ કરી અને બંને સામે તપાસની માંગ શહેર કોંગ્રેસ કરશે. 


બંને કોર્પોરેટર દર મહિને 2 લાખ મેળવતા હોવાની ફરિયાદ થઇ હતી 
કરોડો રૂપિયા ના ખર્ચે વિકાસના કાર્યો થઈ રહ્યા છે ત્યારે ભાજપના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓ કોન્ટ્રાક્ટર બની ગયા છે આ અંગે અનેક વખત સાધારણ સભામાં મુદ્દા ઉછળ્યા છે. જોકે ઘોઘાસર્કલ વોર્ડના બંને કોર્પોરેટર કોન્ટ્રાક્ટર ખાતે મળેલા હોવાના અને દર મહિને બે લાખ રૂપિયા મેળવતા હોવાની ફરિયાદ થઈ હતી. આ મામલો ભાજપના પ્રભારી પાસે પહોંચતા ભાવનગર ખાતે દોડી આવ્યા હતા અને તપાસ કરી નિવેદનો પણ લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.