Bhavnagar News: રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકડવતાં ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખેડૂતોને પોષણશ્રમ ભાવનો અભાવ છે. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીની જોરદાર આવક થઇ રહી છે, છતાં પણ ખેડૂતોને પોષણશ્રમ ભાવ નથી મળી રહ્યાં, આ વાતને લઇને ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકો થઇ રહી છે, પરંતુ ડુંગળીની બમ્પર આવક સામે હાલમાં ભાવ તળિયે બેસી ગયા છે, છેલ્લા 24 કલાકમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઇ ગયું છે. આજે યાર્ડમાં અઢી થી ત્રણ લાખ ડુંગળીની બોરીની આવક થઈ છે. લાલ ડુંગળીના ખેડૂતોને હરાજી દરમિયાન કિલોએ પાંચથી આઠ રૂપિયાનો જ ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક સામે ખેડૂતોને પોષણશ્રમ ભાવ નહીં મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ડુંગળીની પુષ્કળ આવક સામે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ ખાતે ડુંગળી ઉતારવામાં આવી છે જે બંને યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયા છે. રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
ડુંગળી પકવતા ખેડૂતોને મળશે રાહતના સમાચાર-
છેલ્લા દસ દિવસથી ખરીફ પાકની આવક વધી રહી છે. દરરોજ 15,000 થી વધુ ક્વિન્ટલની આવક થઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. જે બાદ સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અંગે સમીક્ષા બેઠક યોજશે.
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીને ફ્રીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી હતી. જે દેશોને ડુંગળીની ખૂબ જ જરૂર છે, તેમને ભારત સરકારની મંજૂરી લીધા બાદ તેની નિકાસ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો.
ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે રાહત દરે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. જેથી સામાન્ય જનતાને થોડી રાહત મળી શકે. નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવે તો પણ જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રાહત દરે વેચાણ ચાલુ રહેશે.
અત્યાર સુધીમાં સરકારે 25,000 ટન ડુંગળીની ખરીદી કરી છે અને સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા જાહેર કરી છે. કેન્દ્ર સરકાર અને તેની સંલગ્ન સમિતિઓ સંયુક્ત રીતે છૂટક દુકાનો અને મોબાઈલ વાન દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી વેચી રહી છે.
ગયા મહિનાની શરૂઆતમાં રાજધાની દિલ્હીમાં સ્થાનિક શાકભાજી વિક્રેતાઓ 70-80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહ્યા હતા. કિંમતો સતત વધી રહી હતી, તેથી સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને ભાવને અંકુશમાં રાખવા માટે આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ડુંગળીની નિકાસ નીતિને 31 માર્ચ, 2024 સુધી ફ્રીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં બદલવામાં આવી છે. જો કે, તે દરમિયાન, અન્ય દેશોને તેમની વિનંતીના આધારે સરકારની મંજૂરી લીધા પછી ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવે છે.