Bhavnagar Rain Update: ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. ભાવનગર શહેર મોડી સાંજે ભારે પવન સાથે અચાનક વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન (મીની વાવાઝોડા) સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ભારે વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. શહેરમાં વરસાદ આવતાની સાથે જ મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે.

ગઢડા તાલુકાના  ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. ગઢડા તાલુકાના ઢસા, જલાલપુર, માંડવા, રસનાળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં ખેડૂતો એ હાશકારો અનુભવ્યો છે. શહેરીજનોને ભારે બફારામાંથી રાહત મળી છે.


અંબાલાલ પટેલે શું કહ્યું


એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, 72 કલાકમાં કરજણ, શિનોરમાં વરસાદ પડશે. ભાવનગર, પાટણ, અમદાવાદમાં વરસાદ પડશે. અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડી રહ્યો છે. હવે ધીરે ધીરે ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ થશે. 28થી 30 જૂન વચ્ચે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. 28થી 30 જૂન વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. બોડેલી, શિનોર, પાદરામાં 3થી 4 ઈંચ વરસાદ ખાબકી શકે છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં 2થી 3 ઈંચ વરસાદ ખાબકી શકે છે. 28 તારીખ પછી હવામાં ભેજ વધશે અને પવનની ગતિ ઘટશે. આ વખતે પાછોતરા વરસાદની શક્યતા વધારે છે.




પરેશ ગોસ્વામીએ શું કહ્યું


એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું,અત્યાર સુધી ભેજનું પ્રમાણ ઓછું હોવાથી ચોમાસું નિષ્ક્રિય હતું. આજથી ચોમાસામાં સક્રિયતા દેખાઈ રહી છે. આજે સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેંદ્રનગરમાં વરસાદ નોઁધાયો છે, આવતીકાલે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયો વરસાદ પડશેય 23, 24, 25 જૂને સારા વરસાદની શક્યતા છે. 23, 24, 25 જૂને વાવણી લાયક વરસાદની શક્યતા છે. 28 જૂનથી 3 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે. 23, 24, 25 જૂને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ચોમાસું સારુ રહેવાનું છે, 20થી 25 ઓક્ટોબર સુધી ચોમાસું ચાલશે. નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 98 ટકાથી 108 ટકા સુધી વરસાદ નોંધાય તેવી શક્યતા છે.