Bhavnagar Rain: ભાવનગર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને લઈને અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. શહેરના સીદસર રોડ પાસે આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સીદસર રોડ પાસે આવેલ તુલસી પાર્ક 2માં 120 જેટલા મકાનોના રહીશોને સોસાયટીની બહાર નીકળવા માટે પાણી ઉતરે તેની રાહ જોવી પડે છે. માત્ર નજીવા વરસાદને લઈને સોસાયટીમાં પાણી ભરાય છે.જેના લીધે વિદ્યાર્થીઓ તેમજ સોસાયટીમાં રહેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. તુલસી પાર્ક 2માં નજીવા વરસાદે ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.


 



આ ઉપરાંત ભાવનગર શહેરના સીદસર રોડ ઉપર આવેલ જગદીશ્વર પાર્ક સોસાયટી પાસે અનેક સોસાયટીઓને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સીદસર રોડ પાસે આવેલ સોસાયટીઓમાં અવરજવર કરવાનો રસ્તો થયો વરસાદી પાણીને લીધે બંધ થયો છે. આ વિસ્તારમાં 20થી વધુ સોસાયટીઓ અને અનેક ફ્લેટ આવેલા છે. જે તમામ લોકો પરેશાની ભોગવી રહ્યા છે.


કાળુભાર નદીમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે.


વલ્લભીપુર તાલુકાના નવી અને જૂની રાજસ્થળી ગામના લોકોને સાવચેત કરાયા છે. ભાવનગર જિલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી કાળુભાર નદીનું પાણી કોઇપણ સમયે છોડવામાં આવે તેની પરિસ્થિતિ છે. જે અંગે વલ્લભીપુર તાલુકાના નવી અને જૂની રાજસ્થળી ગામનો આગેવાનોને માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વલ્લભીપુર મામલતદાર બી.એન.કણઝારીયા,પોલીસ સબ ઇન્સપેક્ટર પી.ડી.ઝાલા અને સર્કલ ઓફિસર એસ.કે.ચૌહાણે આ ગામોની મુલાકાત લઇ આગેવાનોને માહિતગાર કર્યા છે.


 



 ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીના પાણી જેસર તાલુકાના ગામોમાં ફરી વળ્યા છે. રાણીગામ અને દેપલા ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. સતત પડી રહેલા વરસાદના કારણે નદીનો પ્રવાહ અને સ્તરમાં વધારો થઈ રહ્યો છે. વરસાદના કારણે ખેતરોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતા જેસર તાલુકાના મામલતદાર મુલાકાત લેવા માટે ગામડાઓમાં પહોંચ્યા છે.


રાજયમાં ભારે વરસાદ બન્યો આફતરૂપ


રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે.  9 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 198 રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.