ભાવનગરઃ મૂળ વેનેઝુએલાની અને છેલ્લા 6 વર્ષથી ભાવનગર ખાતે રહેતી વિદેશી યુવતીએ અગ્રણી ઉદ્યોગપતિ વૈભવ તંબોલી સામે જાતિય સતામણીની ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચ્યો છે.  તંબોલી કાસ્ટિંગ કંપનીમાં સિનિયર માર્કેટિંગ એન્જીનીયર તરીકે નોકરી કરતી યુવતીએ તંબોલી કાસ્ટિંગના ડાયરેકટર વૈભવ તંબોલીએ પોતાની સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ સાથેની અરજી ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમમાં આપી  છે. આ વિદેશી યુવતીએ 31-12-2020ના રોજ ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમમાં ઓનલાઈન અરજી કરી છે.


યુવતી તથા તેના વકીલે શનિવાર પત્રકાર પરિષદ કરીને ભાવનગરની પોલીસને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ના લેવાયાં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.  આ યુવતી 2014માં 6 મહિનાના ઇન્ટર્નશીપ માટે ભાવનગર આવી હતી અને પછી અહીં જ નોકરીમાં જોડાઈ હતી.  યુવતીની ફરિયાદ પ્રમાણે 27-08-2020ના રોજ કંપનીના ડાયરેકટર વૈભવ તંબોલીએ યુવતીને પોતાની ચેમ્બરમાં બોલાવી યુવતીની મરજી વિરુધ્ધ શારીરિક અડપલાંની કોશિશ કરી હતી. યુવતી ડરીને ચેમ્બરમાંથી રડતી-રડતી બહાર નીકળી ગઇ હતી અને ઘરે જતી રહી હતી. યુવતીએ આ બનાવની જાણ પોતાની માતાને મેઈલ દ્વારા પણ કરી હતી. આ ઘટનાના પગલે યુવતી માનસિક તણાવમાં આવી જતાં થોડા સમય માટે તેણે મનોચિક્ત્સકની દવાઓ પણ ચાલુ કરી હતી.

યુવતીના વકીલનો આક્ષેપ છે કે, યુવતીએ વારંવાર ભાવનગર પોલીસને રજૂઆત કરી હોવ છતાં પોલીસે અરજી સ્વીકારી ન હતી.  છેલ્લે યુવતીએ ના છૂટકે ઓનલાઈન અરજી ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં અરજી કરી હતી. યુવતીને હેરાન પરેશાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ વકીલે કર્યો છે.  ડાયરેકટર દ્વારા 01-01-2021ના રોજ ભાવનગરની SOG કચેરી ખાતે યુવતીના આધારકાર્ડમાં છેડછાડ કરાઈ હોવાની ખોટી અરજી કરીને  યુવતીને માનસિક હેરાન કરવામાં આવી રહી છે એવો આક્ષેપ પણ કરાયો છે.

ભાવનગર પોલીસે કહ્યું છે કે, અમને હજુ સુધી કોઈ સત્તાવાર રીતે યુવતીની અરજી મળી નથી.  યુવતી ગુજરાતી લખતા વાંચતા નથી જાણતી તો આ અરજી તેણે જ કરી છે કે કેમ તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. યુવતીને   તારીખ 01-01-2021ના રોજ નિવેદન માટે બોલાવવામાં આવી ત્યારે તેની સાથે આવું કૃત્ય થયું હોવાનો કોઈ ઉલ્લેખ કર્યો વહોતો. અમે તપાસ કરીએ છીએ અને તપાસમાં આ વાત સાચી જણાશે તો ફરિયાદ નોંધવા અમે તજવીજ હાથ ધરીશું.