BHAVNAGAR: ભાવનગરમાં દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની કેન્દ્ર સરકારની વધું એક જાહેરાત અભેરાઈએ ચડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ભાવનગર ભાંગતું જાય છે. છેલ્લા દસ વર્ષમાં અલગ-અલગ કરોડો રૂપિયાની યોજનાઓની વાતો કરવામાં આવી પરંતુ આજ સુધીમાં એક પણ યોજના સાકાર થઈ નથી. એજ રીતે બે વર્ષ પહેલા વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનવાના સપના બતાવવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી સાકાર થયા નથી.


ભાવનગરમાં દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની વાત હતી


કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભાવનગરમાં દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની વાત હતી. પરંતુ એ માત્ર જાહેરાત જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બે વર્ષ પહેલાં આ જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સરકારે કચ્છ-ભાવનગરને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે સાત જેટલા ઉદ્યોગપતિ સાથે MOU પણ કર્યા હતા. આ યોજનામાં એક જીઆઇડીસી ઊભી કરવાની સરકારની વિચારણા હતી અને ત્યારબાદ 15 વર્ષ જુના વાહનો ક્રેપમાં જશે અને ભાવનગર રોલિંગ મિલને દેશનો સ્ક્રેપ મળવાથી ઈમ્પોર્ટ કરવું પડતું સ્ટીલ ઈમ્પોર્ટ નહીં કરવું પડે તેવી પણ વાત હતી.


આ યોજના માત્ર જાહેરાત પૂરતી જ સીમિત રહી ગઈ


આ યોજના થકી સૌથી મોટો ફાયદો પ્રકૃતિને પણ થવાનો હતો કારણ કે જુના વાહનો સ્ક્રેપ યાર્ડમાં ભાંગવાથી પ્રદૂષણ પણ ઓછું થાય અને વાહનોની સંખ્યા પણ ઘટે પરંતુ કેન્દ્ર સરકારની આ યોજના માત્ર જાહેરાત પૂરતી જ સીમિત રહી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.


ભાવનગરમાં એશિયાનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પણ આવેલું છે


ભાવનગરમાં એશિયાનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પણ આવેલું છે જેના કારણે સ્ક્રેપ પણ મળવાનો બહોળા પ્રમાણમાં ફાયદો થઈ શકે તે દૃષ્ટિએ આ વિહિકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની સરકારનું આયોજન હતું. જેની કેન્દ્ર સરકારે જાહેરાત કર્યા બાદ ભાવનગરના વિકાસના દ્વાર પણ ખૂલે તેવી સંભાવના હતી અને આ સાથે જ રોજગારીની તકો પણ વિપુલ પ્રમાણમાં મળે તે માટે આ યોજના લાભદાયક હતી. પરંતુ કમનસીબી એ છે કે ભાવનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલી મોટી જાહેરાતો માંથી એક પણ જાહેરાત સફળ થઈ નથી.