Gujarat Corona Update: ભાવનગરમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા સિહોરના ધનંજયભાઈ રવિશંકરભાઈ ભટ્ટનું મોત થયું છે. ધનંજય ભટ્ટને ગત તારીખ ૩૦ નાં રોજ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ૭૮ વર્ષીય ધનંજયભાઈ રવિશંકરભાઈ ભટ્ટની અંતિમ સંસ્કાર શહેરનાં સુભાષનાગર સસ્મશાન ખાતે કરવામાં આવ્યા.
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે ફરી 300થી વધુ કેસ સામે આવ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 93 કેસ નોંધાયા છે. તો બીજી તરફ સુરતમાં 31, મહેસાણામાં 26, વડોદરામાં 25 અને મોરબીમાં 23 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 2155 પાર પહોંચ્યો છે. રાજ્યમાં હજુ 12 લોકો વેન્ટિલેટર પર છે.
કોરોનાની નવી લહેરની આશંકા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મોટું નિવેદન
બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશમાં કોરોનાના કેસોની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ માટે તેમણે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કોવિડ પરીક્ષણ અને જીનોમ સિક્વન્સિંગની સાથે સાથે, કોવિડ નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આજે દિલ્હી ખાતે આ બેઠક યોજાઈ હતી.
આપણે સાવચેત રહેવું જોઈએ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે આપણે સતર્ક રહેવું પડશે અને બિનજરૂરી ભય ફેલાવવો નહીં. તેમણે તમામ આરોગ્ય મંત્રીઓને કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના રાજ્યોમાં આરોગ્ય સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ અંગે સમીક્ષા બેઠક યોજવા વિનંતી કરી હતી. આ દરમિયાન તેમણે સમગ્ર દેશમાં કોવિડને લઈને 10 અને 11 એપ્રિલના રોજ મોકડ્રીલ કરવાની વાત કરી હતી. આ સાથે તમામ આરોગ્ય મંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્ય સરકારોને કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તેમના સ્તરે તૈયારીઓ મજબૂત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકોને કોરોનાના વધતા જતા કેસો અંગે જાગૃત કરવા જોઈએ અને લોકોએ આ અંગે બેદરકારી દાખવવી જોઈએ નહીં.
દેશમાં XBB.1.16ને કારણે કોરોનાના કેસ વધ્યા!
ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસ વેગ પકડી રહ્યો છે. કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં કોવિડ-19 સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે કોરોનાના કેસ આટલી ઝડપથી કેમ વધી રહ્યા છે. હકીકતમાં, કેસ વધવાનું સૌથી મોટું કારણ કોવિડના નવા પ્રકારને આભારી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5000 થી વધુ નવા કોવિડ કેસ નોંધાયા છે. Omicron ના XBB.1.16 વેરિઅન્ટને દેશમાં કોવિડના કેસોમાં અચાનક થયેલા વધારા માટે જવાબદાર ગણવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કોવિડના આ સબ-વેરિઅન્ટ (XBB.1.16) પર નજીકથી નજર રાખી રહ્યું છે.