ભાવનગર : ભાવનગર શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.  રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી પીવાના પાણીની સમસ્યા દૂર કરવા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓએ પાણીની જેમ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા અને ઘરે ઘરે નળ કનેક્શન પણ આપી દીધા પરંતુ આજે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે નળની અંદર પાણીનું એક ટીપું પણ આવતું નથી.  આ પરિસ્થિતિ ભાવનગર શહેરમાં વિકટ સમસ્યા બનીને ઊભી થઈ છે. જેનો કોઈ અંત આવી રહ્યો નથી જેના કારણે વિવિધ વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થઈ ચૂક્યા છે.  એક મહિનામાં હજારથી વધુ ટેન્કરો દોડાવવામાં આવ્યા છે જોકે આ બાબતે એબીપી અસ્મિતા દ્વારા મેયર, ચેરમેન અને જવાબદાર અધિકારીનું નિવેદન લેવાનો રૂબરૂ પ્રયાસ કર્યો પરંતુ પીવાના પાણીના પ્રશ્ન બાબતે કોઈ બોલવા પણ તૈયાર નથી આ પ્રશ્નથી નેતા અને અધિકારીઓ ભાગી રહ્યા છે.




પ્રજાની સુખાકારી માટે રાજ્યની સરકાર વિવિધ ટેક્સો ઉઘરાવતી હોય છે. સાથે જ મહાનગરપાલિકા પણ સુવિધાઓ આપવા માટે વિવિધ વેરા વસુલે છે પરંતુ પ્રજા સુધી આ પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભાવનગર મહાનગરપાલિકા નિષ્ફળ ગયું હોય તે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા 1 લાખ 60 હજાર જેટલા નળ કનેક્શન ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં મહાનગરપાલિકાના નળની અંદર પાણી નહીં પણ માત્ર હવા જ આવે છે.  જેની વારંવાર ભાવનગરની જનતાએ રજૂઆત કરતી હોય છે પરંતુ અધિકારી અને રાજકીય પક્ષના નેતાને આ બાબતે કોઈ પડી જ નથી તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.




ભાવનગરમાં ફરી એક વખત ટેન્કર રાજ શરૂ થતા એબીપી અસ્મિતા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના જોગીવાડ વિસ્તાર, હિલ્ પાર્ક 1 અને 2,  ચિત્રા વિસ્તાર,  ફુલસર વિસ્તાર,  નારી ગામ, કુંભારવાડા,બોરતળાવ સહિતના અન્ય વિસ્તારોમાં મહાનગરપાલિકા રોજ ટેન્કરો દ્વારા પીવાનું પાણી મોકલી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે નળ કનેક્શન શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. પાંચ સાત વર્ષથી નળમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી.  આ બાબતે એબીપી અસ્મિતા દ્વારા ભાવનગરના મેયર તેમજ ચેરમેન સાથે જ વોટરવર્ક વિભાગના અધિકારીનો રૂબરૂ સંપર્ક કર્યો હતો પરંતુ આ બાબતે બોલવા માટે પણ તેઓ ઇન્કાર કરી રહ્યા છે ત્યારે ભાવનગરમાં ઉનાળાના કપરા દિવસોની અંદર દર વર્ષની જેમ પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ રહી છે. 


ભાવનગરમાં નબળી નેતાગીરીના કારણે ટેન્કર રાજ હજી પણ શરૂ છે એની પાછળનું કારણ એ છે કે ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીનું મિસ પ્લાનિંગના કારણે શહેરમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ 30 વર્ષ પછી પણ લાવી શકી નથી. હાલ મહાનગરપાલિકાનું તંત્ર પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકી રહી હોય તેમ પ્રજાના પૈસાનો પણ વેડફાટ કરે છે અને પાણીના સંગ્રહ માટે કોઈ આયોજન પણ કરી રહી નથી.  


હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મનપા 70 થી 75 એમએલડી પાણી ખરીદી રહી છે જેનો મહિનાનો ખર્ચ 1 કરોડ અને 20 લાખ રૂપિયા જેવો થાય છે. આ સાથે જ શેત્રુંજી ડેમમાંથી 90 થી 95 એમએલડી પાણીની ખરીદી કરવામાં આવી રહી છે જેનો ખર્ચ 1 કરોડ અને 40 લાખ રૂપિયા જેવો થાય છે.  આમ મહાનગરપાલિકાનું તંત્ર દર મહિને 2 કરોડ અને 60 લાખ રૂપિયા પાણીની માફક પાણી વિતરણ પાછળ કોઈ આયોજન વગર કે કોઈ પ્લાનિંગ વગર વેડફાટ કરી રહી છે જેનો બોજ ભાવનગરની જનતા ભોગવી રહી છે.




બીજી તરફ ભાવનગરમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે નર્મદાના નીર સૌની યોજના થકી 160 કરોડ રૂપિયાના ખર્ચે પહોંચાડવામાં આવ્યા છે પરંતુ ભાવનગરની જનતાને તેનો એક પણ વખત લાભ મળ્યો નથી. પાંચ વર્ષ પહેલા નાખવામાં આવેલી સૌની યોજનાની લાઇન એક પણ વખત શરૂ કરવામાં આવી નથી. જ્યારે બીજી બાજુ સરકાર મહાનગરપાલિકાના સહયોગથી ભાવનગરના 13 બોર્ડ માં અલગ અલગ અમૃત સરોવરો બનાવ્યા છે પરંતુ આ સરોવર પણ ખાલી ખમ છે ત્યારે સવાલ એ વાતનો કહે કે ભાજપનું 25 વર્ષથી એક તરફી શાસન રહ્યું હોવા છતાં પાણીની સમસ્યા ભાવનગરમાં દૂર કરી શકતો નથી તેના કારણે ટેન્કરો રોડ પર દોડાવા પડી રહ્યા છે.