Bhavnagar : ભાવનગરનાં સિહોરમાં  ધાચીવાડ વિસ્તારમાં લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ 171થી વધુ લોકોને ફૂડ પોઈઝન થતા હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી હતી. લગ્ન પ્રસંગે ભોજનમાં લિક્વિડ અને છાશ પીધા બાદ ફૂડ પોઈઝન થયું હોવાનું પ્રાથમિક જાણકારીમાં બહાર આવ્યું છે. નાના બાળકોથી લઇ તમામ લોકોને ઝાડા-ઉલટી થયા છે. આરોગ્ય વિભાગની 13 જેટલી ટીમ દ્વારા 700થી વધુ ઘરનું સર્વેલન્સ કરી ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ ફૂડ અને લીક્વીડ જે દુકાન પરથી લેવામાં આવ્યું હતું ત્યાં આરોગ્ય વિભાગની ટીમે અલગ-અલગ નમૂનાઓ લઈ કાર્યવાહી હાથ ધરી છે. હજી  પણ ત્રણ જેટલા બાળકો ફૂડ પોઈઝનની અસરથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે


500થી વધુ લોકો લગ્નમાં હાજર હતા 
ભાવનગરના શિહોર તાલુકા પંથકમાં ગઇકાલે ઘાંચીવાડમાં એક લગ્ન પ્રસંગ હતા એ દરમિયાન 500થી વધુ લોકો લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભોજન લીધા બાદ અચાનક જ તમામ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી.  વર પક્ષ અને કન્યા પક્ષે આવેલા 170થી વધુ  લોકોને અચાનક જ ઝાડા-ઊલટી થતાં સિહોરમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


આરોગ્ય વિભાગની 13 જેટલી ટીમો કામે લાગી 
આ લોકોને ઝાડા ઉલટી અને ચક્કર આવવાના બનાવ સામે આવ્યા હતા. બનાવ બન્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સ્થળ પર પહોંચી ફૂડના સેમ્પલ લઇ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલ અલગ-અલગ 13 જેટલી ટીમ દ્વારા શિહોરમાં ફૂડના અને લિક્વિડ છાસના નમૂના લઇ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. 


હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી 
હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઇ રહી છે તે મુજબ એક મીઠાઈની દુકાનેથી છાશ  લીધી હતી જે છાશ પીધા બાદ અચાનક જ લગ્નમાં હાજર લોકોને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયા હતા. લગ્ન પ્રસંગ છોડીને તમામ લોકો સિહોર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સારવાર માટે દર્દીઓની  લાઈન લાગી હતી


દુકાનદાર અને વેપારી સામે કડક કાર્યવાહીની માંગ 
સિહોર પંથકમાં મીઠાઈની એક પ્રખ્યાત દુકાન આવેલી છે. ત્યાંથી છાશ લેવામાં આવી હતી. ત્યારબાદ લગ્ન પ્રસંગે આવેલા તમામ લોકોએ છાશ પીધા બાદ અચાનક જ ઝાડા-ઊલટી થતાં તમામને સિહોર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, તમામ દર્દીઓને બાટલા અને ઈન્જેકશન આપ્યા બાદ ફૂડ પોઇઝનનું રિએક્શન હળવું થયું હતું હાલ હોસ્પિટલમાં માત્ર ત્રણ બાળકો સારવાર લઇ રહ્યા છે, આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદાર અને વેપારી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.  છાશ, ડ્રાયફ્રુટ, મઠો, મમરી ફરસાણ, પેંડા, મેંગો મિલ્કશેઇક સહિતના નમૂના લેવામાં આવ્યા છે