ભાવનગર : ઘોઘા તાલુકાના આંગણવાડી મહિલાઓ દ્વારા જિલ્લા પંચાયતની આઇસીડીએસ ઓફિસ કચેરીનો ધેરાવ કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો. 185 થી વધુ મહિલાઓએ પગારની અનિયમિતતા આ ઉપરાંત હક રજા તેમજ નવા આવેલા ઘોઘાનાં CDPO દ્વારા આંગણવાડી મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોવાના આરોપ સાથે આંગણવાડી મહિલાઓએ સૂત્રોચાર સાથે ધરણા યોજી ઓફીસ બહાર દેખાવ કર્યો હતો. 


ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં 185 જેટલી આંગણવાડી મહિલાઓ પોતાની ફરજ બજાવી રહી છે જેમાં ગત મહિનામાં આ તમામ મહિલાઓ પોતાની હક રજા પર યુનિયનની બેઠક હોવાથી માસ CL મૂકી હતી પરંતુ તેમનો પગાર કાપી લેવામાં આવતા આંગણવાડી કર્મચારીની મહિલાઓ આજે રોષે ભરાઈ હતી.  આ સાથે જ આંગણવાડીની મહિલાઓનો આક્ષેપ છે કે તેઓ સમયસર પોતાનું બિલ મૂકી દે છે તેમ છતાં પાંચ સાત મહિના સુધી પગારમાં ચૂકવવામાં આવતો નથી. તેમજ ઘોઘા તાલુકામાં તાજેતરમાં મહિલા સીડીપીઓની નિમણૂક થઈ છે જે મહિલા અધિકારી આંગણવાડી કર્મચારીની મહિલાઓનું શોષણ કરી રહ્યા છે જેથી તેમને હટાવવામાં આવે તેવી આંગણવાડી મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. 


સૌથી વધુ આંગણવાડીની મહિલાઓ આજે જિલ્લા પંચાયતની icds પ્રોગ્રામ ઓફિસરની કચેરી પર પહોંચી હતી.  જ્યાં ઉગ્ર સૂત્રોચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.  જોકે આંગણવાડીની મહિલાઓ રજૂઆત કરવા આવતા આઇસીડીએસ કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા તમામ મહિલાઓ કચેરીની બહાર બેસી ગઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો. બે કલાક સુધી પોતાની રજૂઆત કરવા આવેલી મહિલાઓની કોઈ અધિકારી દ્વારા રજૂઆત નહીં સાંભળતા મહિલાઓ વધુ આક્રોશે ભરાઈ હતી અને સીડીપીઓ અધિકારી સાથે ધક્કા મૂકી કરી હતી. 


જોકે આ બાબતે ભાવનગરના સીડીપીઓ અધિકારી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આંગણવાડીની મહિલાઓ દ્વારા બે દિવસ આંગણવાડી બંધ રાખવામાં આવી હ. તી આ સાથે જ સરકારની સંજીવની યોજના અંતર્ગત જે દૂધ આપવામાં આવે છે તે પણ આપવામાં આવ્યું ન હતું જેના કારણે આ પગલા ભરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આંગણવાડી કર્મચારીની મહિલાઓના હકમાં નિર્ણય આવે છે કે નહીં. રજૂઆત કરવા આવેલી મહિલાઓએ ચીમકી આપી હતી કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે કે સંતોષવામાં નહીં આવે તો તેઓ દરરોજ આઇસીડીએસ કચેરીએ ધરણાનો કાર્યક્રમ આપી વિરોધ વ્યક્ત કરશે.