Bhavnagar : ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારી અનાજનાં કૌભાંડનો સિલસિલો હજી પણ યથાવત છે.  પાલીતાણા GIDCમાંથી સરકારી ઘઉં અને ચોખાનો બિન અધિકૃત જથ્થો મળી આવ્યો છે. ડાયમંડ માર્બલ ગોડાઉનની આડમાં સરકારી અનાજનું કૌભાંડ ચાલી રહ્યું હતું. પુરવઠા વિભાગ અને મામલતદારની ટીમે દરોડા પાડી સમગ્ર અનાજના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 


 સરકારની ઉચ્ચ એજન્સી દ્વારા ભાવનગરમાં અનાજનાં કૌભાંડ અંગે તપાસ કરવામાં આવે તો અનેક અનાજ માફિયાઓ અને સરકારી અધિકારીનાં પગ નીચે રેલો આવે તેમ છે, રાજ્ય સરકારના જિલ્લા ગોડાઉનમાં જ કોઇ પ્રકારની સીસીટીવી કે સિક્યુરિટી ગાર્ડની સુવિધા જ નથી.સરકારી અનાજનું ગોડાઉન રામભરોસે છે. 


ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં પુરવઠા વિભાગ અને મામલતદાર દ્વારા પાલીતાણા GIDCમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં 14000 કિલો ઘઉં અને ચોખા તેમજ એક આઈસર મળી કુલ 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ સિઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.


અગાઉ પણ પાલીતાણા રોડ પરથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ વખતે ડાયમંડ માર્બલ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી આવ્યો છે. એક તરફ ગરીબ પરિવારોને સસ્તા અનાજની દુકાન પરથી પૂરતું અનાજ મળી રહ્યું નથી, અનાજ માફિયાઓ બેફામ બનીને સરકારી અનાજ સગેવગે કરીને બારોબાર વેચવાનું કાળો કારોબાર ચલાવી રહ્યા છે. 


ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારી અનાજ પકડાવાનાં બનાવ સામાન્ય થઈ ગયા છે એક પછી એક બનાવો સામે આવે છે જેમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે અનાજ માફિયાઓ પાસે સરકારી અનાજ પહોંચી કેવી રીતે રહ્યું છે? 


ભાવનગર શહેરમાં આવેલ રાજ્ય સરકારના સીટી ગોડાઉન મારફત ભાવનગર જિલ્લાના તમામ સસ્તા અનાજની દુકાન પર સરકારી અનાજ પહોંચાડવાની જવાબદારી હોય છે જેની નોંધ પણ કરવામાં આવતી હોય છે, જોકે એક વાત એ પણ સામે આવી છે કે સરકારી જિલ્લાનું જે ગોડાઉન છે તેમાં કોઇ પ્રકારની સેફટી જોવા મળી રહી નથી. ગોડાઉન રામભરોસે ચાલી રહ્યું છે.  એક પણ સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ છે નહીં જેના કારણે અનેક ગેરકાયદેસર કામ થવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી. 


અનાજ કૌભાંડમાં સરકારની ઉચ્ચ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ તેમજ અનેક મોટા માથાના નામો સામે આવે તેમ છે.