Bhavnagar : બરવાળા કેમિકલ કાંડનો ભોગ બનેલા 15 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે. લઠ્ઠકાંડમાં કેમિકલ પીધા બાદ ભાવનગરની સર.ટી. સિવિલ હોસ્પિટલમાં આ અસરગ્રસ્તોને દાખલ કરવામાં  હતાં. ભાવનગરની સર.ટી હોસ્પીટલમાંથી આજે 15 દર્દીઓને રજા અપાઈ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને ડિસ્ચાર્જ  અંગેની કાર્યવાહી કર્યા બાદ રજા આપવામાં આવી.પોલીસ તંત્ર દ્વારા પણ તેમની નોંધ કરવામાં આવી છે. 


અગાઉ 13 દર્દીઓ ભાગી ગયા હતા 
એક દિવસ અગાઉ  કેમિકલ કાંડનો ભોગ બનેલા 13 જેટલા દર્દીઓ સારવાર દરમિયાન સર.ટી. હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. આ બનાવ બાદ હોસ્પિટલ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી હતી. 


54 દર્દીઓ સારવાર માટે લાવવામાં આવ્યાં હતા 
બરવાળા કેમિકલ કાંડનો ભોગ બનેલા 95 લોકોને ટી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાંથી 54 દર્દીઓ ભાવનગરની સર.ટી. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. 


અત્યાર સુધીમા મૃત્યુઆંક 44 પર પહોંચ્યો
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમા મૃત્યુઆંક 44 પર પહોંચ્યો છે. બોટાદ જિલ્લામાં 33 અને ધંધુકા તાલુકામાં 11 લોકોના મોત થયા છે. હજુ પણ 80થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે 34 લોકો સામે ફરિયાદ નોંધી છે અને 21 આરોપીઓની ધરપકડ કરી છે. 


આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. કમિટી બે દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે અને દસ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરાશે. દરેક ગામમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે.


ગૃહ વિભાગે 8 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી
બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યના ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે 8 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવ અને બોટાદ એસપી કરણરાજ વાઘેલાની બદલી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. આજે આ મામલે તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે.