ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘમહેર યથાવત છે.  ભાવનગર શહેરમાં સવારથી જ  વરસાદી માહોલ છે.  ભાવનગર જિલ્લાના સિહોર,ગારિયાધાર, તળાજા, જેસર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે.  ગારિયાધાર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. 
 
રતનવાવ,  ફાચરિયા, સૂરનિવાસ,  આણંદપુર, સુખપર,  વીરડી,  લુવારા, મેસણકા,  ગણેશગઢ  સહિતના ગામોમાં વરસાદ  વરસ્યો છે.  વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  ગારિયાધાર તાલુકાના સાતપડા ગામમાં નદી-નાળા છલકાયા છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા છે.  ડમરાળા, દૂધાળા,  શીવેન્દ્રનગર સહિતના ગામોમાં ધોધમાર વરસાદને લઈ નદી-નાળામાં નવા નીર આવ્યા છે. 


ભારે વરસાદથી ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે.   સિહોર શહેર અને તાલુકાના ગામોમાં પણ વરસાદી માહોલ યથાવત છે. સિહોર તાલુકાના ટાણા, વરલ, કનાડ, મઢડા, સોનગઢ, અમરગઢ, આંબલા અને સણોસરા ગામે વરસાદ વરસ્યો છે. 


પાલિતાણા શહેર અને તાલુકામાં પણ  મેઘમહેર થઈ છે.  અત્યાર સુધી પાલિતાણા તાલુકામાં સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદને લઈ મગફળી અને કપાસનું વાવેતર કરનારા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. 


હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી


 આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશ સિસ્ટમ સક્રિય થઈ છે.  કાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારીમાં  ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. 


હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.  આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


29 જૂનના રોજ   નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  


30 જૂનના રોજ  ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


1 જુલાઇના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


2 જુલાઇના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.