ભાવનગર:  રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.  ભાવનગર શહેરમાં 1.5થી 2 ઈંચ વરસાદ પડતાં શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. 




મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ પ્રિ મોન્સૂન પાછળ કરવામાં આવે છે તેમ છતાં રોડ પર પાણી ભરાયા છે.  શહેરના જસુનાથ પાનવડી વિસ્તારમાં  ઘુટણસમાં પાણી ભરાય છે જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી છે.   મહાનગરપાલિકાનો પ્રિ મોનસૂન પાછળ થતો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં તરતો જોવા મળે છે. 


રાજ્યના ત્રણ જિલ્લામાં આગામી ત્રણ કલાક વરસાદની કરાઈ આગાહી


રાજ્યમાં આગામી 3 કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ શહેર,બોટાદ અને આણંદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. 40 થી 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.     


અમદાવાદમાં વરસાદની સંભાવના


હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.  આગામી ત્રણ કલાકમાં  શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, પશ્ચિમી પવનો છે જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધુ છે. લોકલ કન્વેક્ટિવિટીના કારણે વરસાદ થવાની સંભાવના છે.  અમદાવાદમાં આજે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. સાંજના સમયે વરસાદ થવાની શક્યતાઓ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.


વધુમાં કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન બનેલું છે,  જેના લીધે ભેજ એકઠો થઈ રહ્યો છે આ સાથે ગરમી પણ છે જેના કારણે લોકલ કન્વેક્ટિવિટી બનવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


કેરલ નજીક ચોમાસુ પહોચી ગયું     


ચોમાચાને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. કેરલ નજીક ચોમાસુ પહોચી ગયું છે. એક કે બે દિવસમાં ચોમાસુ કેરળમાં બેસી જશે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેઠા પછી 15 દિવસ બાદ મુંબઇ અને દક્ષિણ ગુજરાત થઇને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશતું હોય છે.   વાતાવરણમાં થતા બદલાવને આધારે કેરળમાં ચોમાસુ બેસવાની તારીખ ચાર દિવસ આગળ-પાછળ થઇ શકે છે.