Gujarat Rain: વરસાદની બદલાતી જતી પેટર્નને લઈ ભાવનગરના ભાલ પંથક અને ઘોઘા તાલુકામાં લીલા દુષ્કાળનું સંકટ ખેડૂતોની માથે તોળાઈ રહ્યું છે. એક સાથે પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતર પાણીથી ભરાઈ રહ્યા છે. જેના કારણે મોંઘા ભાવના બિયારણથી વાવેલ કપાસ અને મગફળીનો પાક વરસાદમાં નષ્ટ થઈ રહ્યો છે. જો આ જ રીતના વરસાદની પેટર્ન યથાવત રહી તો ખેડૂતોના ખેતર ધોવાઈ જશે.




વર્ષાઋતુનું આગમન થયું છે તેના કારણે અનેક તાલુકામાં ખેડૂતોના હૈયે ટાઢક છે પરંતુ અનેક તાલુકાઓ એવા છે કે જેમાં એક સાથે પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સામાન્ય રીતે વરસાદ એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધી પડતો હોય છે. પરંતુ જે પ્રમાણે વરસાદની પેટર્ન બદલાઈ રહી છે તેના કારણે ખેડૂતોના ખેતરો વરસાદના પાણીથી તારબોતળ થાય છે. પાણી પણ ખેતરોમાં બે દિવસ સુધી ઉતરતા નથી જેથી મોંઘા ભાવના બિયારણોથી વાવેલ પાક વરસાદના કારણે બળી જાય છે.




ઘોઘા તાલુકાના અવાણીયા, મોરચંદ, પડવા, ભવાની પૂરા સહિત ભાવનગરના માઢીયા, સનેસ, દેવળીયા, પાળીયાદ, ભાણગઢ, નર્મદ, ખેતાખાટલી, ચોગઠ સહિતના ગામડાઓમાં ખેડૂતોની હાલત વધુ ખરાબ થઈ છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ચૂક્યા છે. ચોમાસાને માત્ર બે મહિના જેટલો સમય થયો છે. જો આ જ પ્રમાણે વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે તો ભાવનગરના અનેક તાલુકાઓ લીલા દુષ્કાળની જપેટમાં આવશે તે નક્કી છે, ત્યારે હાલ તો ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી થઈ છે.


ગુજરાતમાં આ વર્ષે કેમ સર્જાઈ જળબંબાકારની સ્થિતિ


ગુજરાતમાં આ વર્ષે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં ધોધમાર વરસાદના પગલે જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ વર્ષનો વરસાદ કંઈક અલગ છે. માત્ર થોડા કલાકોમાં જ 10થી 15 ઈંચ સુધી વરસાદ ખાબકે છે.  પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર,  આ વર્ષ અરબી સમુદ્રમાં બીપરજોય સાયક્લોન પસાર થયું ત્યારબાદ કોઈ મોટી સિસ્ટમ નથી બની,જેટલા પણ વરસાદ રાજ્યમાં જોવા મળ્યા તે બંગાળની ખાડી માંથી આવ્યા છે ત્યા લો પ્રેસર ઉદભવી ગુજરાત પરથી પસાર થયા છે. કલાઈમેન્ટ ચેંજના કારણે તમામ પ્રેશરો ગુજરાત પરથી પસાર થયા. કલાઈમેન્ટ ચેંજના કારણે ગુજરાતમાં વધુ વરસાદ વરસ્યો છે. 


આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે,   બંગાળની ખાડીની સિસ્ટમ સીધી ગુજરાત પર આવતા આ સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં જળવાયું પરિવર્તન થયું. અરબી સમુદ્રમાં 40 વર્ષની અંદર 0.40થી 0.71 ડિગ્રી સુધી તાપમાન ઉંચુ આવ્યું છે.   આ વર્ષે કલાઈમેન્ટ ચેંજના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે.