ભાવનગર: શહેરમાં બહાર આવેલા વ્યાપક ડમીકાંડના તાર હવે અન્ય જિલ્લાઓમાં પણ પહોંચ્યા છે. ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોતના લેપટોપમાંથી વર્ષ 2022માં લેવાયેલી બિન સચિવાલય કલાર્ક અને હેડ કલાર્કની પરીક્ષાના કેટલાક ઉમેદવારોની હોલ ટીકીટ, ફોટા અને અન્ય ડોક્યુમેન્ટ મળ્યા છે. આ ઉમેદવારોમાં અમરેલીના જેસંગપરાના 3 ઉમેદવારની વિગતો અને બનાસકાંઠાના દાંતીવાડાના 1 ઉમેદવારની માહિતી મળી છે. માહિતી ચકાસવા ભાવનગર પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી અસલ ડોક્યુમેન્ટ મેળવ્યા છે. પરિણામે હવે એ ખુલાસો થયો છે કે, વ્યાપક ડમીકાંડના તાર ભાવનગર સિવાય અમરેલી અને બનાસકાંઠા જિલ્લા સુધી પહોંચ્યા છે.


તાપીમાં ભાજપના પોસ્ટર લગાવી રહેલા ઈસમોને માર મારવામાં આવ્યો


તાપી: વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ભાજપના પોસ્ટર લગાવતા ઈસમોને માર મારવામાં આવ્યો છે. માર મારવાના મામલે વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગામીત વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના પોસ્ટર ફાડવા અને સરકારી નુકશાન થવાની સંભાવના અને ૫ વ્યક્તિને માર મારવા તેમજ અને ધાકધમકી આપવાનો ગુનો રાહુલ ગામીત સામે દાખલ થયો છે. આરોપીએ ભાજપના પોસ્ટર પણ સળગાવ્યા હતા.


રાજકોટમાં ટ્રાવેલ્સે બાઈકને ટક્કર મારતા 12 વર્ષના કિશોરનું કરુણ મોત



રાજકોટ: શહેરમાં અકસ્માતની એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ટ્રાવેલ્સની અડફેટે કિશોરનું મોત થયું છે. રાજકોટના ઇન્દિરા સર્કલ ઓવરબ્રિજ પર ધનવિર ટ્રાવેલ્સની અડફેટે 12 વર્ષના કિશોરનું મોત થતા અરેરાટી મચી ગઈ છે.  મૃતકનું નામ ઉદયરાજસિંહ વિરલસિંહ ચુડાસમાં છે. ઉદયરાજ પોતાના કાકા અને કાકી સાથે સ્પ્લેન્ડર બાઈક પર જતો હતો ત્યારે અકસ્માત થયો. બાઈક પર પાછળ બેસેલા ઉદયરાજનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. ધનવીર ટ્રાવેલ્સના ચાલકે સ્પ્લેન્ડર ચાલકને અડફેટે લેતા કિશોરનું મૃત્યુ થયું. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાવેલ્સને લાવવામાં આવી છે. 


અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગી ભીષણ આગ


અમદાવાદ: શહેરના બાપુનગર નજીક આવેલ અનિલ સ્ટ્રાચ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસ એસ્ટેટમાં આગ લાગતા અપરા તફરી મચી જવા પામી છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. હાલમાં ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગની ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.