બોટાદઃ ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસુ જામ્યું નથી પણ ધોધમાર વરસાદ પડવો શરૂ થઈ ગયો છે.  માંડ્યો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં બુઘવારે રાત્રે વરસાદ તૂટી પડ્યો હતો પણ બે કલાક પછી આ વરસાદ બંધ થઈ ગયો હતો. જો કે સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં આખી રાત વરસાદ પડ્યો હતો. આ પૈકી સૌથી વધારે વરસાદ ગઢડામાં પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડા અને આસપાસના વિસ્તારમાં રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર સુધી પડ્યો હતો અને પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.


આ વિસ્તારમાં કેરાળા ગામ પાસે આવેલ ઐતિહાસિક શસ્ત્ર ધરા પાણીથી ઓવરફલો થતાં અદભઊત દૃશ્ય સર્જાયાં હતાં. આ ધરા પાસે ઉપરથી પડતા ઝરણા અને પાણીના ધોધથી કુદરતનો જોરદાર નજારો જોવા મળ્યો હતો.



ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં બુઘવારે રાત્રે વરસાદ તૂટી પડ્યો હતો. આ પૈકી મહેસાણામાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો અને બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, મધ્યપ્રદેશથી અમદાવાદ સુધી રચાયેલા થંડરસ્ટોર્મને કારણે મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. થંડરસ્ટોર્મની અસરને કારણે અમદાવાદની આજુબાજુના  150 કિલોમીટર સુધીના વિસ્તારમાં વરસાદ થયો હતો.

અમદાવાદમાં શહેરમાં પણ 1 કલાકના ગાળામાં એક ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધૂળની જોરદાર ડમરી પણ ઊડી હતી. સૌથી વધુ સવા ઈંચ વરસાદ સરખેજમાં નોંધાયો હતો. કોતરપુર તેમજ રાણીપમાં લગભગ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.