Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપ, આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા સિવાય તમામ 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે. થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં વધુ એક લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીમાં આપના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે જાહેરાત કરી હતી.
ગુજરાતમાં ભાજપની 26 સીટની હેટ્રિક લાગશે કે નહીં?
2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતે લોકસભાની તમામ 26 બેઠક પર વિજય મેળવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 સીટ કબ્જે કરીને જીતની હેટ્રિક લગાવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, જેના ભાગરૂપે તમામ લોકસભા સીટોના ઉદ્ધાટન કરીને ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.
2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત પ્રચંડ વિજય મેળવ્યો હતો. ભાજપે 303 સીટ જીતી હતી, જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન NDAએ લોકસભાની 542 બેઠકમાંથી 354 પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને 90 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસે 52 અને DMKએ 23 સીટ પર વિજય મેળવ્યો હતો. 2019માં કુલ 7 તબક્કામાં મતદાન થયું હતું અને 23 મે 2019ના રોજ તમામ 543 બેઠકોના પરિણામ જાહેર થયા હતા.
રાજકીય રીતે અત્યંત મહત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં 2019માં ભાજપે 62 સીટ જીતી હતી, જ્યારે તેના સહયોગી પક્ષ અપના દલે 2 સીટ પર વિજય મેળવ્યો છે, આ રીતે NDAનો કુલ આંકડો 64 થયો હતો. આ ગઠબંધન ઉપરાંત સમાજવાદી પાર્ટીએ 5, બસપાએ 10 સીટ પર વિજય મેળવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 71 બેઠકોપર વિજય મેળવ્યો હતો.