ભાવનગર: ભાવનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના રાજાવદર તેમજ બોરડી ગામ સહિતના ગામોમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે.
ધોધમાર વરસાદના પગલે બોરડી તેમજ રાજાવદર ગામનાં રસ્તાઓ પર વરસાદી પાણી જોવા મળ્યા હતા. અમુક ખેતરમાં વાવેલા પાકને આ વરસાદ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે પરંતુ બાજરી જેવા પાકને નુકસાનકારક કહેવામાં આવી રહ્યો છે.
ભાવનગર પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના મહુવાના તલગાજરડામાં પણ આજે વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અમરેલી જિલ્લામાં આજે વરસ્યો વરસાદ
લાંબા વિરામ બાદ ફરી એક વખત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, ખાંભા, ધારી ગીર અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રાજુલા શહેરમાં ભારે વરસાદને લઈ બજારમાંથી પાણી વહેતા થયા છે. ખાંભાના ડેડાણ, માલકનેશ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. ડેડાણ ગામની બજારમાં નદીની માફક વહેતા થયા પાણી. કાંગસા, સુખપુર, ગોવિંદપુર સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. રાજુલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે.
ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખૂશખૂશાલ થયા છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.
જાફરાબાદ પંથકમાં ઘોઘમાર વરસાદ
રાજુલા, ખાંભા, ધારી બાદ જાફરાબાદ પંથકમાં ઘોઘમાર વરસાદ શરૂ થયો છે. જાફરાબાદના લોર, ફાચરીયા, કાગવદર, પાટી, માણસા સહીતના ગામમાં ઘોઘમાર વરસાદ શરૂ થયો છે. થોડા દીવસોના વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યમાં સરેરાશ 92.64 ટકા વરસાદ
આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નાગરિકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.