ભાવનગરમાં વર્ષ 2022-23માં 91 કરોડના ખર્ચે બનાવાયેલા રોડ વરસાદ વરસતા જ ખાડાનું સામ્રાજ્ય છવાયું છે. મુખ્ય માર્ગ અડધા ચોમાસે જ ડિસ્કો રોડ બની ચૂક્યા છે. મહાપાલિકાના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિના ચેયરમેને દાવો કર્યો કે ચાલુ વર્ષે ભાવનગરમાં અતિ તિવ્રતાથી વરસાદ થયો છે જેના કારણે રોડ તૂટી ગયો છે. આમ તો ચોમાસા બાદ રોડની આવી દુર્દશાની વાત કંઈ આજકાલની નથી. દર વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ આવી સ્થિતિ નિર્માણ પામે છે. નવી નવી ટેકનોલોજીના નામે રોડ તો દર વર્ષે બનાવાય છે પણ એક કે બે વર્ષમાં રોડની દુર્દશા એવી થાય છે કે અહીં વાહન લઈને તો ઠીક ચાલીને જવું પણ અત્યંત કઠિન છે.
Bhavnagar News: ભાવનગર શહેરમાં વિકાસે આંખે પાટા બાંધી લીધા છે કારણકે પ્રજાના ટેક્સના પૈસે 91 કરોડ રૂપિયાના ખર્ચે વર્ષ 22-23માં બનાવેલ નવા નકોર રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મુખ્ય માર્ગે અડધા ચોમાસામાં જ ડિસ્કો રોડ બની ચુક્યા છે જોકે આ બાબતે મ.ન.પાના ચેરમેને જણાવ્યું હતું કે આ વર્ષે ભાવનગર શહેરમાં અતિ તીવ્રતાથી વરસાદ થયો છે જેના કારણે રોડ તૂટવાના બનાવ બન્યા છે
સામાજીક આગેવાન ગૌરાંગ સાટીયાએ જણાવ્યું કે, ભાવનગર શહેરમાં ચોમાસા બાદ રોડની બિસ્માર સ્થિતિ થવી એ કોઈ નવી વાત નથી દર વર્ષે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ પર મોટા ખાડા પડવા તેમજ રોડ તૂટવા અને રોડ પર મોટા ભુવા પડવાના બનાવો હવે સામાન્ય બની ગયા છે. આધુનિક યુગમાં મશીનરીનો ભરપૂર ઉપયોગ કરીને નવા રોડ બનાવવામાં આવતા હોય છે પરંતુ આ રોડ માત્ર એક વર્ષ અથવા બે વર્ષ સુધી રહે છે ત્યારબાદ રોડની દુર્દશા એવી થાય છે કે આ રોડ પરથી નીકળવું એટલે કમર તુટવી નક્કી છે. આવી સ્થિતિ ભાવનગર શહેરના એક રોડ પર નહીં પરંતુ શહેરના દરેક રોડ પર બની છે
જીગ્નેશ સોરઠીયાએ જણાવ્યું કે, ભાવનગર મહાનગરપાલિકા નું વર્ષ 2022- 23 નું રોડ માટેનું બજેટ 91 કરોડ રૂપિયાનું હતું જેમાં સ્વરણીની પણ ગ્રાન્ટ સામેલ છે. જે પ્રજાના રૂપિયે શહેરમાં નવા રોડ રસ્તાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ રોડ એટલા તકલાદી બની ગયા છે કે રોડ પર એક ફૂટ સુધી મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જ્યારે અનેક વિસ્તારમાં રોડ બનાવવા માટેના કામ એજન્સી દ્વારા અધૂરા છોડી દેવામાં આવ્યા છે જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જોકે મહાનગરપાલિકાના નવા ચેરમેન રાજુ રાબડીયાએ રોડ તૂટવાનું કારણ ભાવનગર શહેરમાં અતિ તીવ્રતાથી વરસાદ થવાનું આગળ ધરી દીધું હતું. પરંતુ શહેરની પ્રજા પણ જાણે છે કે લાગતા વળગતા કોન્ટ્રાક્ટર અને એજન્સીને કામ આપીને ટકાવારી પર રોડ રસ્તાનાં કામ બનતા હોય છે જે રોડની અવધિ ખૂબ ટૂંકી હોય છે. એક તરફ રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી એવું કહે છે કે માત્ર એક ફરિયાદથી રોડ રસ્તા રીપેરીંગ કરાશે પરંતુ ભાવનગર શહેરની જનતા મનપાના શાસક તેમજ અધિકારીઓને રજૂઆત કરીને થાકી તૂટી છે આમ છતાં રોડ રીપેરીંગ થતા નથી. બીજી તરફ નવી પોલીસી પણ લાગુ છે જેમાં રોડ બનાવતી એજન્સી ને ગેરંટી પિરિયડ પર કામ સોંપવામાં આવતું હોય છે પરંતુ તેમાં પણ લાલિયા વાડી ચાલી રહી છે જેના પાસે ભાવનગર શહેરના રોડ હવે અત્યંત બીસમાર બની ગયા છે