ગાંધીનગર: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મોટા ઉપાડે અભ્યાસક્રમમાં ભગવત ગીતાનો પાઠ ભણાવવા માટેની જાહેરાત તો કરી દીધી પરંતુ આજ દિન સુધી તેના પાઠ્યપુસ્તક આવ્યા નથી અને સંસ્કૃત શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી નથી. જેમણે મોટા ઉપાડે જાહેરાત કરી હતી એ જ કેબિનેટ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આજે જવાબ આપવામાંથી પણ છટકી રહ્યા છે ત્યારે રાજ્યની જનતા પૂછી રહી છે કે શું મત મેળવવા માટે જ આ પ્રકારે ભાજપ સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવે છે.
હર હંમેશ વિરોધીઓ પર આકરા પ્રહાર કરનાર ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા અગાવ કરેલી જાહેરાત સંદર્ભે abp asmita ના રિપોર્ટર દ્વારા પૂછવામાં આવેલા સવાલને લઈ તેમને લોકપ્રશ્ન સાંભળવા માટે બેઠો છું તેવું કહીને જવાબ આપ્યો ન હતો. આ એ જ પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી છે કે જેમને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખૂબ મોટા ઉપાડે રાજ્યની જનતાને વચનો આપીને અભ્યાસક્રમમાં હવેથી ધોરણ 6થી 12ના અભ્યાક્રમમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણયની જાહેરાત કરી હતી અને એ પણ જણાવ્યું હતું કે હવે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે.
વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષમાં 6થી 12 ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવાશે તેવી જાહેરાત તો કરી દીધી પરંતુ આજ દિન સુધી તેના પાઠ્યપુસ્તક પણ આવ્યા નથી અને ભગવત ગીતાનો અભ્યાસ કરાવનાર શિક્ષકોની પણ ભરતી કરવામાં આવી નથી. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોતે આપેલા વચનો ભૂલી ગયા છે અને જવાબ આપવા માંથી પણ છટકી રહ્યા છે
ભાવનગર શહેરમાં શિક્ષકોની તો ઘટ્ટ છે પરંતુ વ્યાયામના માત્ર આઠ શિક્ષકો છે જેમના દ્વારા ગાડુ ચાલે છે. સરકારી શાળાઓમાં ગ્રાઉન્ડ તો છે પરંતુ બાળકને કૌશલ્ય અને તંદુરસ્ત રાખવા માટે અભ્યાસના ભાગરૂપે પીટીના શિક્ષકોની ખૂબ મોટી ઘટ છે. આમ તો ભાવનગરમાં એક દાયકા સુધી શિક્ષણ વિભાગનું મહત્વનું ખાતું રહ્યું છે પરંતુ ભાવનગર માટે કશું જ નેતાઓ દ્વારા કરવામાં આવ્યું નથી તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે ભાવનગર સહિત રાજ્યની જનતા પૂછી રહી છે કે ચૂંટણી સમયે મત મેળવવા માટે જ ભાજપ સરકાર મોટા મોટા વચનો આપે છે ત્યારબાદ તે વચનોને પૂર્ણ શા માટે નથી કરી રહી. જીતુ વાઘાણી દ્વારા જનતાના લોક પ્રશ્નો તો સાંભળે છે પરંતુ જનતાને આપેલા વચનો ભૂલી જાય છે.
જોકે આ બાબતે શાસના અધિકારીને પૂછતા તેમને જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સિલેબસની અંદર ભગવદગીતા પણ આપવામાં આવશે. સરકાર કટિબદ્ધ છે પરંતુ ક્યારે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે તે કહેવું મુશ્કેલ છે. ખુદ પૂર્વ શિક્ષણ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ આ બાબતે કોઈ જવાબ આપી શકતા નથી. ભાવનગર શહેરમાં મનપાત દ્વારા ચાલતી પ્રાથમિક શાળાઓમાં આજ પણ 135 શિક્ષકોની ઘટ છે જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ પર પણ અસર પડે છે જ્યારે બીજી તરફ સરકાર દ્વારા કરવામાં આવેલ ઉતાવળી જાહેરાત ને લઈ ભગવત ગીતા ક્યારે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે તે હજી કહેવું પણ મુશ્કેલ છે.