ભાવનગર: દેશના આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા જે જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરે છે તે જિલ્લામાં લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા પણ મળી રહી નથી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નારી ગામ ખાતેનું CHC આરોગ્ય કેન્દ્ર સાધનો અને સ્ટાફના અભાવે શોભાના ગાંઠીયા સમાન ધુળ ખાઈ રહ્યું છે. હાલ માત્ર બે ફાર્મસીસ ડોક્ટર દ્વારા આ આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે.
આ હોસ્પિટલમાં સ્ટાફની ભરતી કરવામાં આવી નથી
સરકાર દ્વારા આરોગ્યની પ્રાથમિક સુવિધા આપવી તે ફરજના ભાગરૂપ સૌ લોકોનો અધિકાર છે પરંતુ ભાવનગરમાં કંઈક ઉલટી ગંગા વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2018માં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી દ્વારા નારી ગામ ખાતે ભવ્ય સીએચસી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. પરંતુ આ હોસ્પિટલ માત્ર શો-પીસ માટે બનાવીને મૂકી દીધું હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ છેવાડાના લોકોને આરોગ્યની પૂરતી સુવિધા મળી રહે તેવા હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકાએ મોટા ઉપાડે હોસ્પિટલનું બાંધકામ કરી દીધું પરંતુ ત્યારબાદ આ હોસ્પિટલમાં નથી સ્ટાફની ભરતી કરવામાં આવી કે નથી જરૂરી સાધનો વિકસાવવામાં આવ્યા. જેના અભાવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન ધૂળ ખાઈ રહ્યું છે. કોર્પોરેશનમાં દ્વારા નારી ગામે 7 કરોડના ખર્ચે આરોગ્ય સેન્ટર બનાવાયું છે.
છેલ્લા બે વર્ષથી આ હોસ્પિટલ કાર્યરત થયું નથી
ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧ એટલે કે મેયરના જ વોર્ડમાં અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉભુ કરાયું છે જેમાં આજુબાજુના દસ ગામના લોકોને લાભદાયક આ હોસ્પિટલ છે પરંતુ તંત્રના પાપે છેલ્લા બે વર્ષથી આ હોસ્પિટલ કાર્યરત થયું નથી. જોકે આ બાબતે નારી ગામના નાગરિકો મેયરને રજૂઆત કરે છે પરંતુ કોઈ જવાબ આપવામાં આવતો નથી. માત્ર ચૂંટણી લક્ષી હોસ્પિટલનું નિર્માણ કરી દીધું હોય તેઓ ધાટ ઘડાયો છે. હોસ્પિટલનું નિર્માણ થયા બાદ ધારાસભ્યની તકતીઓ લગાવી દીધી છે પરંતુ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. પ્રાથમિક સુવિધા મળવી તે દરેક નાગરિકનો હક છે પરંતુ નારી ગામ સાથે ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર ઓરમાયું વર્તન કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે.
લોકોને આરોગ્યની સુવિધા મળી રહી નથી
હાલ એક તરફ કોરોનાના કેસોને લઈ તંત્ર અલર્ટ થયું છે પરંતુ બીજી બાજુ ભૂતકાળમાં જે રીતે ભાવનગર જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો અને હોસ્પિટલમાં એક પણ બેડ કે ઓક્સિજનની સુવિધા પણ મળી રહી નહોતી, જેનું ફરી એક વખત પુનરાવર્તન ન થાય તે માટે સુવિધા ઉભી કરવી જરૂરી છે. ભાવનગર મહાનગરપાલિકાને નાગરિકોની કોઈ ચિંતા જ ન હોય તે પ્રમાણે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વેડફી રહી છે. નારી અર્બન હેલ્થ સેન્ટરમાં જે લાખો રૂપિયાના ખર્ચે હોસ્પિટલને અપગ્રેડ કરીને ઓક્સિજનની સુવિધા ઉભી કરી છે તેમાં પણ જાળા અને ધોળ જોવા મળી રહી છે. આ સાથે જ લોકોને આરોગ્યની સુવિધા મળી રહી નથી જેના કારણે લોકો દૂર દૂર સુધી આરોગ્યની સુવિધા મેળવવા માટે મજબૂર બની રહ્યા છે હોસ્પિટલમાં અલગ અલગ વિભાગો પણ બનાવવામાં આવ્યા છે જેની તકતી પણ લગાવી દેવામાં આવી છે પરંતુ વોર્ડમાં એક પણ સુવિધા જોવા મળી રહી નથી.