Gopal Italia on His Arrest: ભાવનગર ખાતે આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ હતી. ઉમરાળા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા આ ધરપકડ કરાઈ હતી. થોડા કલાકો પછી ગોપાલ ઈટાલિયાને જામીન મળ્યા હતા અને તેમને છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ધરપકડના મામલે નિવેદન આપ્યું હતું.


શું કહ્યું ગોપાલ ઈટાલિયાએ?


પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઈટિલાયાએ કહ્યું કે, ''મારા પરિવારમાં મારાં દાદી માંનું મૃત્યુ થયું હતું. આ દુઃખદ પ્રસંગે હું ત્યાં ગયો હતો ત્યારે મારી ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગર પોલીસે એક દુઃખદ પ્રસંગ પણ ના જોયો અને મારી ધરપકડ કરવામાં આવી. હું નીરવ મોદી કે વિજય માલ્યાની જેમ દેશ છોડીને જતો નહોતો રહેવાનો. મારી સામે જ્યારે પણ ફરિયાદ થાય છે એ તમામ ખોટા જ કેસો થયા છે અને આ કેસ પણ ખોટો જ કેસ હતો.''


મોરબી બ્રીજ દુર્ઘટનાના મુખ્ય આરોપીઓ...


ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, ''જનતાએ ભાજપને મત એટલા માટે નથી આપ્યા કે પોલીસ મારી પાછળ પડી જાય, લોકોએ ભાજપને સેવા કરવા માટે વોટ આપ્યા છે. પોલીસને જો ખરેખર આરોપીઓ જ પકડવા હોય તો ગુજરાતમાં હજુ પણ મૂછે વળ દેતા બુટલેગરો ફરે છે તેમજ ખનીજ ચોરો પણ બેફામ ફરે છે." ઈટાલિયાએ વધુમાં ઉમેર્યું કે, "મોરબી બ્રીજ દુર્ઘટનાના મુખ્ય આરોપીઓને સરકારે પકડવા જોઈએ. મેં એવો તો કોઈ ગંભીર ગુન્હો નથી કર્યો જેના લીધે આખા ગુજરાતને નુકસાન પહોંચે. પાકિસ્તાન તરફી નારા લગાવતા ભાજપીયાઓને કોઈ પકડતું નથી."


આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પોતાની ધરપકડ થઈ હોવાનું ટ્વિટ કર્યુ હતું. ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને પૂર્ણ બહુમત આપ્યા બાદ બનેલી નવી સરકારે કામ કરવાનું ચાલુ કર્યુ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ  કરી છે. મારી દાદીનું કાલે નિધન થયું છે, મારો પૂરો પરિવાર દુઃખીછે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ આ કામ માટે બહુમત મળી હશે.