Bhavnagar : ભાવનગર યુનિવર્સિટીની બે કોલેજ, ગ્રંથાલય, હોલ વગેરેને ફાયર સેફટીને લઇ સીલ કરવામાં આવ્યા છે. કેબિનેટ શિક્ષણમંત્રીના વિસ્તારોમાં જ શૈક્ષણિક સંસ્થાઓ નિયમોનું પાલન કરી રહી નથી.  ફાયર સેફટીના સાધનો નખાવવા માટે ભાવનગર મહાપાલિકાએ એક વર્ષ પૂર્વે નોટીસ પણ આપી હતી છતા નિયમનું પાલન કરવામાં આવ્યુ ન હતુ. જેથી મહાપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.  ત સૌથી મોટો સવાલ એ છે કે આગ લાગવાની અનેક દુર્ઘટનાઓ બની ગઇ હોવા છતાં પણ શા માટે સરકારી સંસ્થાઓ જ બેદરકારી દાખવી રહી છે?


ભાવનગરની સરકારી સંસ્થાઓ નિયમોને નેવે મૂકીને ફાયર સેફટીનું પાલન કરી રહી નથી, જેથી ગુજરાત હાઇકોર્ટ અને સરકારની સુચના મુજબ ફાયર અંગે કડક કાર્યવાહી કરવા જણાવતા જ મહાનગરપાલિકાએ અનેક હોલ, સરકારી શૈક્ષણિક સંસ્થાઓ સહિતને સીલ મારી દીધા છે. 


ભાવનગર શહેરની કેટલીક શૈક્ષણીક સંસ્થાઓમાં ફાયર સેફટીના નિયમનું  પાલન થતુ ના હતુ તેથી મહાપાલિકાના ફાયર વિભાગની ટીમે સીલ મારવાની કાર્યવાહી કરી હતી. જેમાં સર પી.પી.સાયન્સ કોલેજનું  ગ્રંથાલય, એમ.જે.કોમર્સ કોલેજનું ગ્રંથાલય, યુનિવર્સિટીના  અટલ ઓડીટોરીયમ વગેરેનો સમાવેશ થાય છે.


ચારેય બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી મહાપાલિકા દ્વારા એક વર્ષ પૂર્વે નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતા આજદિન સુધી નિયમનું પાલન કરવામાં આવેલ નથી તેથી મહાપાલિકાએ સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.


ફાયર સેફટીના અભાવે ગુજરાતમાં આગ લાગવાની  અનેક  દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હોવાના બનાવો બની ચૂક્યા છે. આ અંગે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરેલ છે. છતાં પણ સરકારી વિભાગ ની સંસ્થાઓ જ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. 


ફાયર એક્ટ મુજબ ફાયર સેફ્ટીના સાધનો જે નિયમ મુજબ લગાવવા જોઈએ તેમાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓ જ બેદરકારી દાખવી રહી છે જેના કારણે કોલેજમાં અભ્યાસ કરવા માટે આવતા હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જીવના જોખમ પર શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.