ભાવનગરમાં સગીરા આત્મહત્યા કેસમાં 10 દિવસ બાદ ત્રણ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકાના મોટા સુરકા ગામમાં માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળી 10 દિવસ પૂર્વે સગીરાએ આત્મહત્યા કરી હતી. સગીરાને મરવા મજબૂર કરનારા ત્રણ શખ્સની આખરે ધરપકડ કરવામાં આવી છે. વિપુલ જોટાણા, હર્ષિલ જોટાણા અને મહેશ જોટાણા નામના શખ્સો સુરકા ગામની સગીરાને શારિરીક સંબંધ બાંધવા તેમજ માનસિક ત્રાસ આપતા હતાં. છેલ્લા ચાર માસથી વધુ સમયથી માથાભારે શખ્સો યુવતીને ત્રાસ આપતા હતા જેનાથી કંટાળીને સગીરાએ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.
સગીરાના મોતના દસ દિવસ બાદ પણ આરોપીઓ ન પકડાતા પાટીદાર યુવકો સગીરાના પરિવારની વ્હારે આવ્યા હતા અને રેન્જ આઈજી ગૌતમ પરમારને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. રેન્જ આઈજીએ પણ મૃતકના પરિવારને ન્યાયની ખાતરી આપી પોલીસને તાત્કાલિક આરોપીની ધરપકડના આદેશ કર્યા હતાં. આખરે મોડી રાત્રે પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી હતી.
PANCHMAHAL: પંચમહાલમાં કરોડો રુપિયાનું ફૂલેકું ફેરનાર આરોપીને LCBએ 10 વર્ષ બાદ ઝડપી પાડ્યો
પંચમહાલ: 120 પોસ્ટ રોકાણકારોને રાતા પાણીએ રડાવનાર પોસ્ટ એજન્ટ પોલીસનાં સકંજામાં આવ્યો છે. 5 .22 કરોડ રુપિયાનું ફૂલેકું ફેરવી ફરાર આરોપી રાજેશ ત્રિવેદી 10 વર્ષ બાદ ગોધરા LCB પોલીસનાં હાથે લાગ્યો છે. ગોધરાના 120 જેટલાં રોકાણકારોના 5.22 કરોડનાં નાણા ઉચાપત કરનાર પોસ્ટ ઓફીસ એજન્ટ રાજેશ ત્રિવેદી નામદાર હાઇકોર્ટેમાંથી આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થયો હતો.
5.22 કરોડોના ઉચાપત ગુનામાં ફરાર આરોપી પોસ્ટ ઓફીસ અજેન્ટ રાજેશ ત્રિવેદી 10 વર્ષ બાદ આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. ગોધરા શહેર ઉપરાંતના 120 જેટલાં પોસ્ટ રોકાણકારોના નાણાંની ઉચાપત કરનાર પોસ્ટ ઓફિસ એજન્ટ રાજેશ ત્રિવેદી આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ગોધરાના રોકાણકારોના બારોબાર નાણાંની ઉચાપત મામલે ગુનામાં 2012થી ફરાર હતો. આ સમગ્ર મામલે ભોગ બનેલા ખાતેદારો દ્રારા ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ખાતેદારોને વધારાના વ્યાજની લાલચ આપી વિશ્વાસમાં લઈ ખાતેદારનાં નાણાં ખાતામાં ભરવાને બહાને લઈ લેતો અને ત્યાર બાદ ખાતેદારની રકમ ખાતામાં જમાં ન કરાવી બારોબાર કરોડોની ઉચાપત કરી હતી. રાજેશ ત્રિવેદી આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી રાજેશ ત્રિવેદીને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરતાં કોર્ટે 20 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૂળ ગોધરાનાં લુહાર સુથાર સોનીવાડ વિસ્તારનાં રહીશ રાજેશ કુમાર ચંદ્રકાંત ત્રિવેદી વિરૂદ્ધ CBI ACB ગાંધીનગર 2014 દરમીયાન IPC કલમ, 420 ,467, 471, મુજબ ગુનો નોંધાવા પામ્યો છે