ભાવનગર: શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ યતાવત છે. રખડાતા ઢોરે અનેક લોકો જીવ લીધો હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં રખડતા ઢોરે બે લોકોનો ભોગ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.


આબલા ગામે આખલાએ યુવકને લીધો અડફેટે


ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરના કારણે વધુ એક યુવાનનો જીવ ગયો છે. સિહોર તાલુકાના આબલા ગામે આખલાએ યુવકને અડફેટે લીધો હતો. યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો હતો. મૃતક યુવક જગદીશભાઈ ડાભી પોતાનું બાઈક લઈને સિહોર તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન આખલાએ અડફેટે લીધા હતા. ભાવનગર જિલ્લામાં રખડતા આખલાના કારણે થઈ રહેલ મોતનો સિલસીલો ક્યારે અટકશે તે કહેવું મુશ્કેલ છે.


આધેડનું રખડતા ઢોરના કારણે મોત થયું


તો બીજી તરફ ભાવનગર શહેરમાં વધુ એક આધેડનું રખડતા ઢોરના કારણે મોત થયું છે. શહેરના ટોપ થ્રી સર્કલ પાસે ચાલીને જઈ રહ્યા હતા એ દરમિયાન રખડતા ઢોરે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. જેને 108 દ્વારા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક આધેડનું નામ બાબુભાઈ વાઘેલા હતું અને તેઓ 70 વર્ષના હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં 24 કલાકમાં રખડતા ઢોરના કારણે બે લોકોના મોત થતાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. દર મહિને લાખો રૂપિયા રખડતા ઢોર પાછળ ખર્ચવામાં આવે છે આમ છતાં શહેરીજનોની કોઈ સલામતી નથી.


ગયા મહિને શુભમ ડાભી નામના યુવકનું મોત થયું હતું


ભાવનગર શહેરમાં રખડતા ઢોરે વધુ એક નિર્દોષનો જીવ લીધો છે. શુભમ ડાભી નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ઘોઘા રોડ ચકુ તલવાડી પાસે સાંઢે બાઈક ચાલકને અડફેટે લીધો. જેથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને 108ની મદદથી સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ભાવનગર શહેરમાં વારંવાર રખડતા ઢોરના હુમલાથી ઘટનાઓથી લોકોમાં પણ ભારે રોષનો માહોલ છે.