ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ રૂ.૧૦૨.૮૭ કરોડના ૩૭ જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત, ૫૬૮ જેટલા લાભાર્થીઓને અંદાજિત કુલ રૂ.૨૩૪ લાખના યોજનાકીય લાભોના વિતરણ સાથે આહવા ખાતે, રાજ્યકક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ” ઉજવાયો હતો.
મહાન ધર્મ યોદ્ધા, સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતીએ હૃદયપૂર્વક વંદન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાના બાળપણ અને તેમની મહાન ગાથાનું વર્ણન કરીને મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની સગૌરવ ઝાંખી આપી હતી.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે,વર્ષ-૨૦૦૭માં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દસ મુદ્દા આધારિત આ યોજના અંતર્ગત રોડ કનેક્ટિવિટી, ઘર આંગણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
વનબંધુ કલ્યાણ યોજનાથી દિકરીઓનું શિક્ષણ સ્તર સુધર્યું છે અને આદિજાતિ સમુદાયમાં સાક્ષરતાનો દર વધ્યો છે, તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. હવે આદિજાતિ વિસ્તારમાં એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજ સહિતની ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ મળે છે. વલસાડ, દાહોદ , બનાસકાંઠા, ગોધરા સહિત આઠ મેડિકલ કોલેજો આદિજાતિ વિસ્તારોમાં છે, તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ અમલમાં મૂકી છે, જે અંતર્ગત કુલ રૂ. ૨૨ હજાર કરોડથી વધારે રકમની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દેશના ૬૩ હજારથી વધારે આદિવાસી ગામડાના પાંચ કરોડથી વધુ વનબંધુઓને લાભાન્વિત કરવાનો લક્ષ્ય છે. પ્રથમ વખત આવી કલ્યાણકારી યોજના થકી સો ટકા જનજાતિય સમુદાયને આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્મત અભિયાનમાં રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં આદિમ જૂથના ૩૦ હજાર પરિવારોના લોકોને શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોડ-રસ્તા અને વીજળીની સુવિધા આપવામાં આવી છે.
આ પણ વાંચો...