નવી દિલ્હી: હરિયાણાની જાણીતી ડાન્સર અને ગાયિકા સપના ચૌધરીથી ભાજપ નારાજ થયું છે. ભાજપે સપના સામે કાર્યવાહી કરી છે. થોડા દિવસો પહેલા જ ભાજપમાં સામેલ થયેલી હરિયાણવી ડાન્સર સપના ચૌધરી વિધાનસભાની ચૂંટણી માટે હરીફ પક્ષના ઉમેદવાર ગોપાલ કાંડાનો પ્રચાર કર્યો હતો. જેને લઈને ભાજપ હાઈકમાન્ડ સપનાથી ખૂબ નારાજ છે. આ કારણે ભારતીય જનતા પક્ષે સપનાને ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.


સપના ચૌધરીએ સિરસાથી હરિયાણાની લોકહિત પાર્ટીના ઉમેદવાર ગોપાલ કાંડા માટે પ્રચાર કર્યો હતો. કાંડા હરિયાણા સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે અને રાજ્યના રાજકારણમાં પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે. જ્યારે તેની એરલાઇન્સની એક મહિલા કર્મચારીએ આત્મહત્યા કરી હતી ત્યારે કાંડાનું નામ ખૂબ ચર્ચામાં રહ્યું હતું.


હરિયાણાની તમામ 90 બેઠકો પર એક જ તબક્કામાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાનાર છે. 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.