POKમાં ભારતીય સૈન્યએ તોપમારાથી અનેક આતંકી કેમ્પોને ઉડાવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Oct 2019 12:25 PM (IST)
કાશ્મીરના કુપવાડા જિલાના તંગધાર સેક્ટરમાં રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરોને ભારતીય સરહદમાં પ્રવેશવાના પ્રયાસો દરમિયાન સીઝફાયરનો ભંગ કર્યો હતો
નવી દિલ્હીઃ ભારતીય સરહદ પર પાકિસ્તાનના નાપાક હરકતનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. રવિવારે સવારે પાકિસ્તાની સૈન્યની ફાયરિંગમાં બે જવાનો શહીદ થઇ ગયા હતા જેનો જવાબ આપતા ભારતીય સેનાએ PoKમાં આવેલા આતંકી કેમ્પ પર આર્ટિલરી ગનથી હુમલો કર્યો હતો. ભારતીય સૈન્યએ પીઓકેમાં આવેલા અનેક આતંકી કેમ્પોને નષ્ટ કર્યા હતા.ભારતીય સૈન્યની કાર્યવાહીમાં પાકિસ્તાની સૈન્યના જવાન સહિત 20થી વધુ આતંકી માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયાના અહેવાલ છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન દ્ધારા કરવામાં આવેલી ઉશ્કેરણીજનક હરકત બાદ ભારતીય સૈન્યએ પાડોશી દેશને વળતો જવાબ આપ્યો છે. જેમાં આર્ટિલરી ગન્સ દ્ધારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ હુમલામાં પીઓકે સ્થિત આતંકી કેમ્પોને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. રવિવારે કાશ્મીરના કુપવાડા જિલાના તંગધાર સેક્ટરમાં રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરોને ભારતીય સરહદમાં પ્રવેશવાના પ્રયાસો દરમિયાન સીઝફાયરનો ભંગ કર્યો હતો. જેમાં બે ભારતીય જવાનો શહીદ થયા હતા.