2000 Currency Note : RBIએ રૂપિયા 2000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરતા જ કેટલાક ભેજાબાજો નોટને સગેવગે કરવા જોરદાર ટ્રીક અજમાવી રહ્યાં છે. આરબીઆઈની આ જાહેરાતને કારણે પેટ્રોલ પંપ સંચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો લોકો ઓનલાઈન શોપિંગ કરીને પણ આ ગુલાબી નોટને ઠેકાણે પાડી રહ્યાં છે. આ ઉપરાંત પણ લોકો જુદા જુદા આઈડિયા અપનાવી રહ્યાં છે.


લોકો પેટ્રોલ પંપ પર જઈને 100-200 રૂપિયાનું તેલ ભરવા આવે છે અને 2000 રૂપિયાની નોટો આપે છે. આ સ્થિતિમાં પંપવાળાઓને છુટ્ટા પૈસાને લઈને મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. હવે સ્થિતિ એવી છે કે, પેટ્રોલ પંપ પર આવતા 90 ટકા ગ્રાહકો 2000ની નોટમાં પેમેન્ટ કરી રહ્યા છે. તેઓ આ નોટો બેંકમાં જ જમા કરાવે છે. આ સ્થિતિમાં તેને ડર છે કે, તેમને ફરીથી આવકવેરા વિભાગ તરફથી નોટિસ ન મળી જાય. તેમને 2016માં નોટબંધી વખતે પણ આવી જ નોટિસ મળી હતી.


જાણે આફત આવી પડી


ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (AIPDA)ના પ્રમુખ અજય બંસલે જણાવ્યું કે, હાલના દિવસોમાં પેટ્રોલ પંપો પર આ સ્થિતિ ઉભી થઈ છે. જેમ કે વર્ષ 1016 માં બન્યું હતું, તે સ્થિતિ ફરી પાછી આવી છે. તે દરમિયાન લોકો રૂ. 100 કે રૂ. 200નું ઇંધણ ભરતા હતા અને રૂ. 500 કે રૂ. 1,000ની જૂની નોટોથી ચૂકવતા હતા. તે સમયે તો જેમ તેમ કરીને કામ ચાલી ગયું. પરંતુ આ વખતે સ્થિતિ વધુ ગંભીર છે. હવે ગ્રાહક 200 રૂપિયાનું તેલ લેશે અને 2000 રૂપિયાની નોટ આપશે, તો છૂટક પૈસા ક્યાંથી આવશે? પંપ ઓનર ગ્રાહકોને તે જ પૈસા પરત કરે છે જે તેને ગ્રાહકો પાસેથી મળે છે. આ સ્થિતિમાં અનેક ગ્રાહકો સાથે બબાલ થાય છે.


90% ગ્રાહકો રૂ. 2,000ની નોટ લઈને આવે છે


અજય બંસલનું કહેવું છે કે, મોટાભાગના પેટ્રોલ પંપ પર ગ્રાહકો આ નોટ લાવી રહ્યા છે. તેમને દેશભરમાંથી મળેલા પ્રતિસાદ અનુસાર, 90 ટકા ગ્રાહકો રૂ. 2,000ની નોટો ભરી રહ્યા છે. અગાઉ, રૂ. 2,000ની નોટો કુલ રોકડ વેચાણમાં માત્ર 10 ટકા હિસ્સો ધરાવતી હતી. તેથી તેમણે રિઝર્વ બેંકને અપીલ કરી છે કે તેઓ કોમર્શિયલ બેંકો દ્વારા નાની નોટો તેમને મળે જેથી ગ્રાહકોને નિરાશ ન થવું પડે.


ડિજિટલ પેમેન્ટમાં ઘટાડો


સામાન્ય દિવસોમાં પેટ્રોલ પંપ પરના કુલ વેચાણના લગભગ 40 ટકા ડિજીટલ મોડ દ્વારા ચૂકવવામાં આવતા હતા. પરંતુ 2000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત બાદથી ડિજિટલ પેમેન્ટનો હિસ્સો ઘટીને 10 ટકા થઈ ગયો છે.


ITની નોટિસનો ડર


બંસલ કહે છે કે, આ વખતે લગભગ દરેક ગ્રાહક માત્ર 2,000 રૂપિયાની નોટથી જ પેમેન્ટ કરવા માંગે છે. પેટ્રોલ પંપ માલિકો તેમને પરત પણ કરી શકતા નથી. પરંતુ તેમને એ પણ ડર છે કે જે રીતે પેટ્રોલ પંપ માલિકોને વર્ષ 2016માં આવકવેરા વિભાગની નોટિસનો બિનજરૂરી રીતે સામનો કરવો પડ્યો હતો, તે જ આ વખતે પણ ન થાય. તેઓ ગ્રાહકો પાસેથી મળેલી નોટો બેંકમાં જમા કરાવે છે.


લોકોએ અજમાવ્યો ગજબનો કિમીયો


રૂપિયા 2000ની નોટ બદલાવવા બેંક પર ના જવું પડે તે માટે લોકોએ હવે નવો આઈડિયા અપનાવ્યો છે. હવે લોકોએ કેશ ઓન ડિલિવરીમાં સામાન ઓનલાઈન ઓર્ડર કરવાનું શરૂ કરી દીધું છે અને તેના માટે 2000 રૂપિયાની નોટોથી પેમેન્ટ કરવાનું શરૂ કર્યું છે.


ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ એક મહત્વની વાત જાહેર કરી છે. RBIએ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી ત્યારે કંપનીએ આ ખુલાસો કર્યો છે. Zomatoએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ટ્વિટ કર્યું છે, જેમાં કંપની દ્વારા માહિતી આપવામાં આવી છે કે, શુક્રવારથી 2000 રૂપિયામાં 72 ટકા કેશ ઓન ડિલિવરી ઓર્ડર ચૂકવવામાં આવ્યા છે.