4-Day Work Week: અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ કરવાનો ટ્રેન્ડ ધીમે ધીમે વધી રહ્યો છે. તે ઘણા દેશોમાં લાગુ કરવામાં આવ્યો છે. આ યાદીમાં જર્મનીનું નામ પણ ઉમેરાઇ ગયું છે. જ્યાં ઘણી કંપનીઓએ ફોર ડે વીક લાગુ કરી છે. જર્મની અગાઉ અનેક દેશોમા આ વર્ક કલ્ચરને લાગુ કરવામાં આવ્યું છે અથવા તેની ટ્રાયલ કરવામાં આવી રહી છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, જર્મનીમાં ઘણી કંપનીઓ ફોર ડે વર્ક કલ્ચરને અપનાવી રહી છે. આ અંતર્ગત કંપનીઓ તેમના કર્મચારીઓને અઠવાડિયાના સાત દિવસમાંથી માત્ર 4 દિવસ કામ કરવા માટે કહી રહી છે. બાકીના 3 દિવસ કર્મચારીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ માટે કર્મચારીઓના પગારમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.
બ્રિટનમાં પણ પ્રયોગ કરવામાં આવ્યો છે
રિપોર્ટ અનુસાર, જર્મનીમાં ઘણી કંપનીઓ હાલમાં ફોર ડે વર્ક કલ્ચરને ટેસ્ટ કરી રહી છે. આ પ્રયોગમાં લગભગ 45 કંપનીઓ ભાગ લઈ રહી છે. આમાં ભાગ લેનારી કંપનીઓ પગારમાં કોઈ ફેરફાર કર્યા વિના કર્મચારીઓના કામના કલાકો ઘટાડી રહી છે. અગાઉ 2022માં બ્રિટનમાં ઘણી કંપનીઓએ આવો જ પ્રયોગ કર્યો હતો.
કંપનીઓની આ સમસ્યાઓ હલ થશે
જર્મની હાલમાં આર્થિક મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. યુરોપનું સૌથી મોટું અર્થતંત્ર ગયા વર્ષે આર્થિક મંદીમાં સપડાયું હતું. તે પછી જર્મની આર્થિક વિકાસ મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ કંપનીઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે. કંપનીઓ સામે સૌથી મોટી સમસ્યા કામ કરતા લોકોની ખોટ છે. એવું માનવામાં આવે છે કે ફોર ડે વર્ક વીકથી કંપનીઓના વર્તમાન કર્મચારીઓની ઉત્પાદકતામાં વધારો થશે પરંતુ કર્મચારીઓની ખોટની સમસ્યા પણ દૂર થશે.
1 ફેબ્રુઆરીથી ફેરફારો લાગુ કરવામાં આવશે
ઘણા લેબર યુનિયનો અને રાઇટ્સ અસોસિયેશન સંગઠનો કામદારો પર કામનું દબાણ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. જર્મનીમાં પણ મજૂર સંગઠનો દ્વારા આવી માંગણી કરવામાં આવી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, એક્સપરિમેન્ટમાં સામેલ કંપનીઓ 1 ફેબ્રુઆરીથી ફેરફારોને લાગુ કરશે. જેનાથી તેઓ એ જાણી શકશે કે ફોર ડે વર્ક વીક પર લેબર યુનિયનોનો તર્ક કેટલો સાચો છે.