8th Pay Commission:  8મા પગાર પંચને લઈને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ અંગે સરકાર દ્ધારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, જો 8મું પગાર પંચ લાગુ થશે તો કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 186 ટકાનો વધારો થઈ શકે છે.


હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ દર મહિને 18,000 રૂપિયાનો લઘુત્તમ બેઝિક સેલેરી મળે છે, જે 6ઠ્ઠા પગાર પંચ હેઠળ 7,000 રૂપિયાથી વધારીને કરવામાં આવી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (JCM)ના સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું છે કે તેઓ ઓછામાં ઓછા 2.86નું ફિટમેન્ટ ફેક્ટર મેળવવાની અપેક્ષા રાખે છે. આ 7મા પગાર પંચના 2.57 ફિટમેન્ટ ફેક્ટર કરતા 29 બેસિસ પોઈન્ટ વધુ છે.


મિનિમમ બેઝિક સેલેરી 51,480 રૂપિયા પ્રતિ માસ હશે


ફાઇનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, જો સરકાર 2.86ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર 186 ટકા વધીને 51,480 રૂપિયા થઈ જશે જે હાલમાં 18,000 રૂપિયા છે. 8મા પગાર પંચ હેઠળ પેન્શનમાં પણ 186 ટકાનો વધારો થવાની ધારણા છે જેના કારણે વર્તમાન પેન્શન 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ જશે.


8મા પગારપંચની રચના ક્યારે થશે?


જો કે, નવા પગાર પંચની રચનાની અપેક્ષિત તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી બજેટ 2025-26માં તેની જાહેરાત થઈ શકે છે. જો કે, ગત બજેટ 2024-25માં પણ કર્મચારી સંગઠનોએ તેમની માંગણીઓ સાથે કેબિનેટ સચિવ અને નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો હતો.


7મું પગાર પંચ વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું


પગાર પંચ એ સરકાર દ્વારા નિયુક્ત એક સંસ્થા છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થાં અને લાભોની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફારની ભલામણ કરે છે. 28 ફેબ્રુઆરી, 2014ના રોજ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે 7મા પગાર પંચની રચના કરી હતી. કમિશને તેનો રિપોર્ટ 19 નવેમ્બર, 2015ના રોજ સરકારને સુપરત કર્યો હતો અને તેની ભલામણો 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવામાં આવી હતી.                                           


Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન