8th pay commission salary hike: કેન્દ્ર સરકારે લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ જાહેરાત બાદ કર્મચારીઓમાં પોતાના પગારમાં કેટલો વધારો થશે તે જાણવાની ઉત્સુકતા છે. તો ચાલો, આજે આ લેખમાં આપણે સમજીએ કે 8મા પગાર પંચ લાગુ થયા બાદ તમારા પગારમાં કેટલો વધારો થશે.
પગાર પંચ શું છે?
સરકારી કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા અને સુધારણા માટે પગાર પંચની રચના કરવામાં આવે છે. ભારતમાં પ્રથમ પગાર પંચ 1946માં સ્થપાયું હતું, ત્યારબાદ દર દસ વર્ષે નવા પંચની રચના કરવામાં આવી છે. 7મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2016થી અમલમાં આવી હતી અને હવે 8મા પગાર પંચની ભલામણો 2026થી લાગુ થવાની શક્યતા છે.
પગાર વધારો કેવી રીતે ગણાય?
8મા પગાર પંચ હેઠળ પગાર વધારાની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરના આધારે થાય છે. હાલમાં આ ફેક્ટર 2.57 છે, જેને વધારીને 2.86 કરવામાં આવી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર એ એવી સંખ્યા છે જેનો ઉપયોગ વર્તમાન બેઝિક પગારને નવા પગાર ધોરણમાં બદલવા માટે થાય છે.
ગણતરીનું ઉદાહરણ:
જો કોઈ કર્મચારીનો વર્તમાન બેઝિક પગાર રૂ. 40,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય છે, તો નવો બેઝિક પગાર આ રીતે ગણાશે:
40,000 × 2.86 = રૂ. 114,400
જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 જ રહે તો નવો બેઝિક પગાર આ રીતે ગણાશે:
40,000 × 2.57 = રૂ. 102,800
આ જ રીતે, જો તમારો મૂળ પગાર 40, 50, 60 કે 70 હજાર રૂપિયા હોય, તો તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને જાણી શકો છો કે 8મા પગાર પંચ પછી તમારો પગાર કેટલો વધશે.
સરેરાશ કેટલો વધારો થશે?
નિષ્ણાતોના મતે, 8મા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના સરેરાશ પગારમાં 25% થી 30% સુધીનો વધારો થઈ શકે છે. અગાઉના 6ઠ્ઠા અને 7મા પગાર પંચમાં અનુક્રમે 40% અને 23-25%નો વધારો થયો હતો. બેઝિક સેલરીમાં લગભગ 186%નો વધારો થવાની ધારણા છે.
મોંઘવારી ભથ્થામાં ફેરફાર:
8મા પગાર પંચની ભલામણોમાં મોંઘવારી ભથ્થા (DA)માં ફેરફાર પણ મહત્વનો ભાગ ભજવશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53% છે અને જાન્યુઆરીમાં તે ફરીથી વધે તેવી શક્યતા છે, જે કર્મચારીઓની કુલ આવકને અસર કરશે.
આમ, ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થામાં ફેરફારના આધારે તમે તમારા પગારમાં થનારા સંભવિત વધારાનો અંદાજ લગાવી શકો છો.
આ પણ વાંચો...
8મું પગાર પંચ: શું લાગુ થતાં જ મોંઘવારી ભથ્થું અને DR '0' થઈ જશે? જાણો શું છે નિયમ