8th pay commission news: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં 8માં પગાર પંચની રચનાને લઈને હાલમાં ચર્ચાઓ તો ચાલી જ રહી છે, પરંતુ આ બધા વચ્ચે કર્મચારી સંગઠનોએ સરકાર સામે એક એવી મોટી માંગ મૂકી દીધી છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ હવે ઈચ્છી રહ્યા છે કે તેમને મળતું મોંઘવારી ભથ્થું એટલે કે DA (Dearness Allowance) અલગથી આપવાને બદલે સીધું જ તેમના બેઝિક પગાર (મૂળ પગાર) માં મર્જ કરી દેવામાં આવે. 8માં પગાર પંચના અમલને હજુ થોડો સમય બાકી છે, ત્યારે કર્મચારીઓની આ માંગે સરકાર સામે એક નવો પડકાર ઊભો કરી દીધો છે.

કર્મચારીઓ કેમ કરી રહ્યા છે આ માંગ?

ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશન (AINPSEF) સહિતના ઘણા મોટા કર્મચારી સંગઠનોએ 8માં પગાર પંચ માટે ચાલી રહેલી વાતચીત દરમિયાન આ મહત્વની માંગ ઉઠાવી છે. સંગઠનોનું સ્પષ્ટ માનવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી છે અને જીવન જરૂરિયાતનો ખર્ચ વધ્યો છે, તેને જોતા મોંઘવારી ભથ્થાને અલગ રાખવાનો કોઈ અર્થ નથી. તેને નવા સુધારેલા પગાર માળખામાં જ ઉમેરી દેવું જોઈએ. સરળ ભાષામાં કહીએ તો, હવે સમય આવી ગયો છે કે DA ને બેઝિક પગારનો જ હિસ્સો બનાવી દેવામાં આવે.

Continues below advertisement
Continues below advertisement

પગારમાં કેવી રીતે થશે મોટો ફાયદો?

આ માંગણી પાછળનું ગણિત બહુ સીધું અને કર્મચારીઓના ફાયદાનું છે. જો સરકાર મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવવાની આ માંગ માની લે છે, તો લાખો કર્મચારીઓના ખિસ્સામાં આવતી રકમમાં મોટો વધારો થશે. જ્યારે બેઝિક પગાર વધશે, ત્યારે તેની ગણતરી પર આધારિત અન્ય તમામ ભથ્થાં (જેમ કે HRA વગેરે) પણ આપોઆપ વધી જશે. આનાથી કર્મચારીઓના હાથમાં આવતો પગાર (ઈન-હેન્ડ સેલેરી), તેમનું પેન્શન, ગ્રેચ્યુઈટી અને પ્રોવિડન્ટ ફંડ (PF) જેવા રિટાયરમેન્ટ પછીના લાભોમાં જોરદાર ઉછાળો જોવા મળશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: લઘુત્તમ વેતન અને ફિટમેન્ટ ફેક્ટર વધશે? કરોડો કર્મચારીઓની આશાઓ વધી, જુઓ અપડેટ

શું છે હાલની સિસ્ટમ અને મોંઘવારી ભથ્થું?

તમને જણાવી દઈએ કે, મોંઘવારી ભથ્થું (DA) એ સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને બજારમાં વધતી મોંઘવારીની અસરથી બચાવવા માટે અપાતી એક વધારાની રકમ છે. હાલના નિયમ મુજબ, દેશના ફુગાવાના (મોંઘવારીના) આંકડાઓને આધારે વર્ષમાં બે વાર (સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં) DA માં વધારો કરવામાં આવે છે. અત્યારની સિસ્ટમમાં કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પગાર કરતા એકદમ અલગ હિસ્સા તરીકે ચૂકવાય છે. પરંતુ, હવે કર્મચારીઓ આ જૂની પ્રથા બદલવા માંગે છે અને તેને બેઝિક પગારમાં કાયમી ધોરણે ભેળવી દેવાની જોરદાર માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 18,000 થી વધીને સીધો 52,600 થશે લઘુત્તમ પગાર? 8માં પગાર પંચની આ માંગણીઓથી કર્મચારીઓ ખુશખુશાલ