8th Pay Commission update: કેન્દ્ર સરકારના 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સાથે જોડાયેલા લાખો કર્મચારીઓએ પોતાની નિવૃત્તિ સુરક્ષાને લઈને અવાજ ઉઠાવ્યો છે. ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશન (AINPSEF) દ્વારા 8મા પગાર પંચ સમક્ષ એક મોટો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમના છેલ્લા પગારના 50 ટકા જેટલી રકમ ગેરંટીડ પેન્શન તરીકે અને સાથે મોંઘવારી ભથ્થું (DA) મળવું જોઈએ. હાલની NPS સિસ્ટમ શેરબજાર પર આધારિત હોવાથી કર્મચારીઓમાં આર્થિક અસલામતીનો ડર છે, જેથી તેઓ નિવૃત્તિ પછીના સુરક્ષિત ભવિષ્ય માટે નિશ્ચિત પેન્શનની માંગ કરી રહ્યા છે.
શા માટે ચિંતિત છે NPS કર્મચારીઓ?
જૂની પેન્શન યોજના (OPS) માં કર્મચારીઓને નિવૃત્તિ પછી એક નિશ્ચિત રકમ પેન્શન તરીકે મળવાની ગેરંટી હતી. પરંતુ અત્યારની NPS સંપૂર્ણપણે શેરબજાર પર આધારિત છે. એટલે કે, બજાર કેવું પ્રદર્શન કરે છે તેના પર તમારું પેન્શન નક્કી થાય છે. ફેડરેશનનું કહેવું છે કે બજારની હાલની અસ્થિરતાને જોતા કર્મચારીઓને એટલું રિટર્ન નથી મળતું જે વધતી મોંઘવારીનો સામનો કરી શકે. તેથી, જો ગેરંટીડ લઘુત્તમ પેન્શન નહીં હોય, તો નિવૃત્ત કર્મચારીઓએ મોટી આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરવો પડશે.
મુખ્ય માંગણીઓ: 50% પેન્શન અને 60% ફેમિલી પેન્શન
ફેડરેશને પોતાના મેમોરેન્ડમમાં સ્પષ્ટ કહ્યું છે કે:
કર્મચારીઓને તેમના નિવૃત્તિ સમયના અંતિમ પગારના 50 ટકા જેટલી રકમ પેન્શન તરીકે મળવી જોઈએ, અને તેની સાથે લાગુ પડતું મોંઘવારી ભથ્થું (DA) પણ આપવું જોઈએ.
હાલમાં કર્મચારીઓ તેમના મૂળ પગાર અને DA ના 10 ટકા NPS માં આપે છે, જ્યારે સરકાર 14 ટકા ફાળો આપે છે. સરકારે આ ફાળો જાળવી રાખીને નિશ્ચિત પેન્શનની ખાતરી આપવી જોઈએ.
આ ઉપરાંત, જો પેન્શનરનું મૃત્યુ થાય તો તેના પરિવારને નાણાકીય ટેકો આપવા માટે મૂળ પેન્શનના 60 ટકા જેટલી રકમ 'કૌટુંબિક પેન્શન' (Family Pension) તરીકે આપવાની પણ રજૂઆત કરાઈ છે.
આ પણ વાંચોઃ 18,000 થી વધીને સીધો 52,600 થશે લઘુત્તમ પગાર? 8માં પગાર પંચની આ માંગણીઓથી કર્મચારીઓ ખુશખુશાલ
નાના કર્મચારીઓની હાલત સૌથી કફોડી
આ માંગણીઓ પાછળનું એક મોટું કારણ ઓછા પગારવાળા કર્મચારીઓની ખરાબ હાલત પણ છે. રેલવે અને શિક્ષણ જેવા વિભાગોમાં ઘણા લોકો વર્ષો સુધી કોન્ટ્રાક્ટ કે રોજમદાર તરીકે કામ કરે છે અને પાછળથી કાયમી થાય છે. આના કારણે તેમનો રેગ્યુલર સર્વિસ પિરિયડ ટૂંકો થઈ જાય છે. પરિણામે, નિવૃત્તિ વખતે તેમનું પેન્શન ફંડ સાવ નાનું હોય છે.
ફેડરેશનના જણાવ્યા મુજબ, આવા ઘણા કિસ્સાઓમાં નિવૃત્ત કર્મચારીઓને મહિને માત્ર 300 થી 3000 રૂપિયા જેટલું જ નજીવું પેન્શન મળે છે! જો કોઈએ સ્વૈચ્છિક કે ફરજિયાત નિવૃત્તિ લેવી પડે તો તેમની હાલત વધુ ખરાબ થાય છે.
8મા પગાર પંચની કાર્યવાહી ક્યાં પહોંચી?
હાલમાં 8મા પગાર પંચે કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ (વાતચીત) શરૂ કરી દીધો છે. પંચે લઘુત્તમ પગાર, મૂળ પગાર, પેન્શન માળખું અને અન્ય ભથ્થાં અંગે સૂચનો મંગાવતી એક પ્રશ્નાવલી પણ બહાર પાડી છે. આ તમામ ચર્ચાઓમાંથી જે તારણ નીકળશે, તેના આધારે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ભાવિ નક્કી થશે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં NPS કર્મચારીઓની આ 50 ટકા ગેરંટીડ પેન્શનની માંગને પગાર પંચ કેટલું મહત્વ આપે છે.
આ પણ વાંચોઃ
કેન્દ્રીય કર્મચારીઓની લોટરી! 8મા પગાર પંચમાં DA સાથે બદલાશે વેતન ફોર્મ્યુલા, જાણો વિગત
