UIDAI Update: સરકારે આધાર કાર્ડ પર પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે, જેમાં નાગરિકોને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ આધારનો દુરુપયોગ ન થાય તે માટે કોઈ પણ સંસ્થા અથવા કંપની સાથે આધાર કાર્ડની વિગતો શેર ન કરે. હવે સરકાર દ્વારા એક નવી અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રેસ રીલીઝના ખોટા અર્થઘટનની શક્યતાને ધ્યાનમાં રાખીને તે તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે. યુઆઈડીએઆઈ જારી કરાયેલા આધારકાર્ડ ધારકોને માત્ર તેમના યુઆઈડીએઆઈ આધાર નંબરોનો ઉપયોગ કરવા અને શેર કરવામાં સામાન્ય સમજદારીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.


27 મેના રોજ બહાર પાડેલા નોટિફિકેશનમાં શું હતું


આ પહેલા 27 મેના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું હતું કે, યૂઆઇડીએઆઇના લાયસન્સવાળી સંસ્થાઓ જ આધારનો ઉપયોગ કોઇ વ્યક્તિની ઓળખ માટે કરી શકે છે.  અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું કે હોટલ અથવા ફિલ્મ હોલ જેવી ખાનગી સંસ્થાઓ આધાર કાર્ડની નકલો રાખવા માટે હકદાર નથી. સરકારે લોકોને ફોટોકોપીના બદલે માસ્કવાળા આધારનો ઉપયોગ કરવા કહ્યું હતું.




જાણો શું છે Masked Aadhaar?


તમારો સંપૂર્ણ 12 અંકનો આધાર નંબર Masked Aadhaarમાં દેખાતો નથી.  તેના બદલે તેમાં આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંક જ દેખાય છે. તમે તેને ઓનલાઈન પણ મેળવી શકો છો.


Masked Aadhaar કેવી રીતે ડાઉનલોડ કરવું


જો તમે Masked Aadhaar ડાઉનલોડ કરવા માંગો છો, તો તમે UIDAIની વેબસાઈટ પર જઈને 'Do You Want a Masked Aadhaar' વિકલ્પ પસંદ કરી શકો છો. અહીં જરૂરી વિગતો ભરીને Masked Aadhaar ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય ડિજી લોકર અને mAadhaar નો વિકલ્પ પણ છે.


સલામત વિકલ્પ છે mAadhaar


UIDAI એ સ્માર્ટફોન યુઝર્સ માટે નવી મોબાઈલ એપ mAadhaar લોન્ચ કરી છે. તેને એન્ડ્રોઇડના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તમારી આધાર માહિતીને સુરક્ષિત રાખવા માટે એક વિશેષ સુવિધા ઉમેરવામાં આવી છે. એક આધાર નંબર સાથે આ એપ્લિકેશન એક સમયે માત્ર એક ફોન ડિવાઇસ પર સક્રિય રહે છે. આવી સ્થિતિમાં જો તમે તમારો ફોન બદલો છો તો નવા ડિવાઇસ પર એપ્લિકેશન સક્રિય થતાં જ તે જૂની ડિવાઇસ પર આપમેળે ડિએક્ટિવ થઇ જશે.