Adani Group Stocks: અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ સોમવારે પણ ચાલુ રહ્યો હતો. આ ઘટાડા વચ્ચે, તમામ ગ્રુપ કંપનીઓની માર્કેટ મૂડીમાં નવ ટ્રેડિંગ દિવસોમાં રૂ. 9.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.


સપ્તાહના પ્રથમ દિવસે ટ્રેડિંગના અંતે અદાણી જૂથની દસમાંથી છ કંપનીઓના શેર ખોટમાં બંધ થયા હતા. અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 10 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી વિલ્મરના શેરમાં પાંચ-પાંચ ટકાના ઘટાડા સાથે નીચલી સર્કિટ લાગી હતી.


ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર નજીવો 0.74 ટકા ઘટીને બંધ થયો હતો. જો કે શરૂઆતના કારોબારમાં તેનો શેર 9.50 ટકા નીચે આવ્યો હતો, પરંતુ બાદમાં શેરમાં ખરીદી પાછી આવી, જેના કારણે શેરમાં સુધારો જોવા મળ્યો છે. ગ્રૂપની ચાર કંપનીઓએ ઘટાડાના વલણ વચ્ચે પણ ફાયદો નોંધાવ્યો હતો. તે પૈકી અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડ 9.46 ટકા વધ્યા હતા. અંબુજા સિમેન્ટ 1.54 ટકા, ACC 2.24 ટકા અને NDTV 1.37 ટકા વધ્યા હતા.


સ્ટોક્સબોક્સના રિસર્ચ હેડ મનીષ ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા નવ ટ્રેડિંગ દિવસોમાં તમામ ગ્રૂપ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 9.5 લાખ કરોડ અથવા લગભગ 49 ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટના આગમન અને FPO પાછી ખેંચવાથી બિઝનેસ સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર પડી છે.


અમેરિકાની 'શોર્ટ સેલર' ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી જૂથ પર શેરના ભાવમાં હેરાફેરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી ગ્રુપ કંપનીઓના શેરમાં ઘટાડાનો દોર શરૂ થયો હતો. જો કે, અદાણી જૂથે આ આરોપોને ખોટા ગણાવીને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે તમામ કાયદાઓ અને જાહેરાતની આવશ્યકતાઓનું પાલન કરી રહ્યું છે.



હિંડનબર્ગે શું આરોપ લગાવ્યો


અમેરિકાની શોર્ટ સેલર ફર્મે અદાણી ગ્રુપ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અદાણી ગ્રુપ પર ઘણું દેવું છે. આ સાથે ગૌતમ અદાણીની મોટાભાગની કંપનીઓના શેર 85 ટકા ઓવરવેલ્યુડ છે. આ રિપોર્ટ આવ્યા બાદ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ભારે ઘટાડા બાદ તેની કિંમત FPO કિંમતથી નીચે ગઈ હતી, જેને જોતા અદાણી ગ્રુપે 20 હજાર કરોડના FPO પાછા ખેંચી લીધા હતા.


ગૌતમ અદાણી ટોપ 20માંથી બહાર


વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં એક સમયે બીજા અને ત્રીજા સ્થાને રહેલા ગૌતમ અદાણી હવે ટોપ 20 ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણી 21મા નંબરે છે અને તેમની કુલ સંપત્તિ $59 બિલિયન છે. આ વર્ષે તેમની સંપત્તિમાં $61.6 બિલિયનનો ઘટાડો થયો છે.