Chinese Firm's Rules For Employees:  સામાન્ય રીતે કંપનીમાં કર્મચારીઓ વચ્ચેના સંબંધો સાથે મેનેજમેન્ટને કોઈ લેવા દેવા હોતું નથી. કંપનીના કર્મચારીઓ વચ્ચે સહમતિથી પ્રેમ સંબંધ બંધાય કે પછી કર્મચારીના લગ્નજીવનમાં છુટાછેડા લેવાની નોબત આવે તો પણ કંપની તેનાથી કોઈ ફરક પડતો નથી. હા, જાતિય સતામણીને લઈને કંપનીઓ આકરા નિયમ જરૂર ઘડે છે. પણ સહમતિથી બંધાતા પ્રેમ સંબધોને લઈ કોઈ કંપનીમાં ખાસ નિયમો હોતા નથી. પરંતુ એક ચાઈનીઝ કંપનીએ પોતાના આકરા નિયમોને લઈને સૌકોઈને ચોંકાવ્યા હતાં. 


ચીનની એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે નવા નિયમો બનાવ્યા છે. આ નિયમ હેઠળ કોઈપણ કર્મચારીના લગ્નેતર સંબંધોને સાંખી લેવામાં આવશે નહીં. આટલું જ નહીં કંપનીના નવા નિયમ અનુસાર, કોઈપણ કર્મચારીએ છૂટાછેડા લેવા જોઈએ નહીં. ચીનના ઝેજિયાંગ સ્થિત એક કંપની દ્વારા આવા નિયમો બનાવવામાં આવ્યા છે.


ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ નિયમ તમામ પરિણીત કર્મચારીઓને લાગુ પડે છે. કંપની દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમ હેઠળ લગ્નેતર સંબંધો રાખનારા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, દોષિત ઠરેલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ કંપનીમાંથી કાયમ માટે પ્રતિબંધિત કરવામાં આવશે.


કર્મચારીઓને સ્પષ્ટ સૂચના


કર્મચારીઓને નિયમ સમજાવતા એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીના આંતરિક સંચાલનને મજબૂત કરવા માટે કર્મચારી પરિવાર પ્રત્યે વફાદાર રહે તે જરૂરી છે. કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવો જરૂરી છે. સારા પારિવારિક સંબંધો કંપનીના કામ પર સકારાત્મક અસર કરશે.


આ બાબતોથી દૂર રહેવાની સૂચના


કુટુંબનું વધુ સારી રીતે રક્ષણ કરવા અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પરિણીત તમામ કર્મચારીઓએ લગ્નેતર સંબંધો રાખવા જેવા અયોગ્ય વર્તનથી દૂર રહેવું જોઈએ. કંપનીએ તેના કર્મચારીઓને સૂચના આપી છે કે, કોઈ ગેરકાયદેસર સંબંધ નહીં, કોઈ ઉપપત્ની, કોઈ લગ્નેતર સંબંધ નહીં અને છૂટાછેડા નહીં.


કંપનીએ સ્પષ્ટપણે અલ્ટીમેટમ આપ્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને નોકરી પર રાખવામાં આવશે નહીં. એટલું જ નહીં, કર્મચારીઓને કડક નિયમો વિશે માહિતી આપ્યા બાદ કંપનીએ કહ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે તમામ કર્મચારીઓ નિયમોનું પાલન કરે અને પરિવારમાં તેમના જીવનસાથી સાથે સારો વ્યવહાર રાખવા ઉપરાંત સારા કર્મચારી બનવાનો પ્રયાસ કરે.