નવી દિલ્હીઃ શાકભાજી બાદ હવે દાળના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે દાળના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થયો છે. શાકભાજી બાદ દાળના ભાવમાં વધારો થયો હોવાથી તેની સીધી અસર આમ આદમી પર પડી છે.


2019ના મે-જૂનની તુલનામાં ચાલુ વર્ષે મે-જૂનમાં સૌથી વધારે ઉછાળો અડદમાં જોવા મળ્યો છે. આ દરમિયાન અડદના ભાવ 31.25 ટકા વધીને 100 થી 105 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો. મસૂરની દાળની કિંમત પણ 25 ટકા વધીને 75 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી. જોકે, ચણા દાળની કિંમત ત્રણ ટકા ઘટીને 62 રૂપિયા થઈ હતી.

ચોખાના ભાવમાં પણ 6 ટકા સુધી વધારો થયો હતો. હળદર, મરચું, ધાણાના ભાવમાં ક્વોલિટીના હિસાબે વધ ઘટ થઈ હતી. ચા પત્તીના ભાવમાં પાંચ ટકા વધારો થયો હતો. છૂટક ખાંડનો ભાવ 35-36 રૂપિયા આસપાસ જ રહ્યો હતો.

મે મહિનામાં ઓલ ઈન્ડિયના કન્ઝ્યૂમર ફૂડ પ્રાઇસ ઇન્ડિકેટર પર આધારિત મોંઘવારી ગ્રામીણ ક્ષેત્રમાં 9.69 ટકા અને શહેરી વિસ્તારમાં 8.36 ટકા રહી. છૂટક મોંઘવારી દર 9.28 ટકા રહ્યો હતો.