ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને એર ઈન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ટાટા જૂથે અગાઉ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે તુર્કીના ઈલ્કર આઈસીની જાહેરાત કરી હતી, પરંતુ ભારતમાં વિરોધ બાદ ઈલ્કર આઈસીએ પદ સંભાળવાનો ઈન્કાર કર્યો હતો. ચંદ્રશેખરન ઓક્ટોબર 2016માં ટાટા સન્સના બોર્ડમાં જોડાયા હતા અને જાન્યુઆરી 2017માં ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા. 



તુર્કીના ઈલ્કર આઈસીએ એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બનવાનો ઇનકાર કરી દીધો હતો. ટાટા સન્સે 14 ફેબ્રુઆરીએ તુર્કી એરલાઇન્સના ભૂતપૂર્વ વડા ઈલ્કર આઈસીની એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી.


કોણ છે એન ચંદ્રશેખરન


એન. ચંદ્રશેખરનનો જન્મ 1963માં તામિલનાડુના મોહનુરમાં થયો હતો. તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી MCA કર્યું છે. ચંદ્રશેખરન 1987માં ટાટા ગ્રૂપમાં જોડાયા હતા અને તેમના નેતૃત્વ હેઠળ TCS ટાટા જૂથની સૌથી મોટી કંપની બની હતી તેમજ નફાની દ્રષ્ટિએ સૌથી સફળ પણ બની હતી. એન ચંદ્રશેખરન  જેઓ ચંદ્રા તરીકે પણ જાણીતા છે.  તેમને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2017માં તેમની નિમણૂક કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2017માં તેમનું પદ સંભાળ્યું હતું. તેઓ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર અને TCS જેવી કંપનીઓના બોર્ડના ચેરમેન પણ છે. ચંદ્રશેખરન નટરાજન જેમને તેમના મિત્રવર્તુળમાં ‘ચંદ્રા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.


તાજેતરમાં કાર્યકાળ વધારવામાં આવ્યો હતો


નોંધપાત્ર રીતે, ટાટા સન્સ બોર્ડે તાજેતરમાં એન ચંદ્રશેખરનનો કાર્યકારી અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો. બોર્ડે છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળની સમીક્ષા કરતી વખતે તેમનો કાર્યકાળ પાંચ વર્ષ વધારવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય લેવા માટે ટાટા સન્સની બોર્ડ મીટિંગમાં ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટા પણ હાજર હતા, જેમણે એન ચંદ્રશેખરનના નેતૃત્વમાં ટાટા જૂથની પ્રગતિ અને કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. રતન ટાટા સહિત બોર્ડના સભ્યોએ પણ એન ચંદ્રશેકરનના કાર્યકારી પ્રમુખ તરીકેના કાર્યકાળની પ્રશંસા કરી હતી અને આગામી પાંચ વર્ષ માટે તેમની પુનઃનિયુક્તિને મંજૂરી આપી હતી.