એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વાસ્તવમાં એરલાઇન્સના ઘણા સભ્યો માસ સિક લિવ પર ગયા છે, જેના કારણે કંપનીએ આ પગલું ભરવું પડ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ટાટા ગ્રુપની માલિકીની એરલાઇનમાં કથિત ગેરવહીવટના વિરોધમાં ઘણા ક્રૂ સભ્યો સીક લીવ પર ઉતરી ગયા છે. સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે સોમવારે સાંજથી ઘણા ક્રૂ સભ્યોએ સીક લીવની સૂચના આપવાની શરૂઆત કરી હતી અને ક્રૂ મેમ્બર્સની અપૂરતી સંખ્યાને કારણે કોચ્ચિ, કાલિકટ અને બેંગલુરુ સહિત અનેક એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયા એક્સપ્રેસ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ક્રૂ મેમ્બર્સના સીક લીવના રિપોર્ટ બાદ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની આટલી મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બર્સના બીમાર હોવાની જાણ કરવા પાછળના કારણોને સમજવા માટે તેમનો સંપર્ક કરી રહી છે અને ટીમ આ મુદ્દાનું સમાધાન કરી રહી છે
એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'અમારા કેબિન ક્રૂના એક વિભાગે ગઈકાલે રાતથી માસ સીક લીવ પર જવાની જાણ કરી હતી.જેના પરિણામે ફ્લાઈટ વિલંબ અને રદ થઈ છે. જ્યારે અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે ક્રૂના સંપર્કમાં છીએ ત્યારે અમારી ટીમો મુસાફરોને કોઈપણ અસુવિધા ઘટાડવા માટે સક્રિયપણે આ મુદ્દાનો હલ કરી રહી છે.
એરલાઈને કહ્યું હતું કે "અમે અમારા મુસાફરોની નિષ્ઠાપૂર્વક માફી માંગીએ છીએ. જેઓ પ્રભાવિત થયા છે તેમને સંપૂર્ણ રિફંડ અથવા બીજા દિવસની ટિકિટ આપવામાં આવશે." અમારા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઈટને અસર થઈ છે કે કેમ તે તપાસી લે.