નવી દિલ્હીઃ Airtel અને Vodafon-Ideaએ યૂઝર્સ માટે નવા પ્લાન્સ લાગુ કરતાં જ મોટી રાહત આપી છે. હવે આ બન્ને કંપનીઓએ યૂઝર્સને કોઈપણ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે કોઈ લિમિટ નથી રાખી, એટલે કે યૂઝર્સ હવે પહેલાની જેમ જ અનલિમિટેડ વોયસ કોલિંગનો લાભ લઈ શકશે. આ બન્ને ટેલિકોમ કંપનીઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરતાં ત્રીજી પ્રતિસ્પર્ધિ કંપની રિલાયન્સ જિઓને ઝાટકો આપ્યો છે. આ પહેલા પણ આ બન્ને કંપનીઓએ જિઓ દ્વારા IUC ચાર્જ લેવાને લઈને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી.


એરટેલે તેના વપરાશકર્તાઓ માટે ત્રણ નવા અનલિમિટેડ કોલિંગ પ્લાન પણ શરૂ કર્યા છે. તે જ સમયે, વોડાફોન-આઇડિયાએ તેના તમામ પ્રિપેઇડ પ્લાનથી મર્યાદાઓ દૂર કરી દીધી છે. આ બંને કંપનીઓના આ માસ્ટર સ્ટ્રોક પછી, હવે એ જોવુંનું રહ્યું કે, નિ:શુલ્ક લાભ આપવાના નામે ભારતીય બજારમાં પ્રવેશવા માટેની નવી ટેલિકોમ કંપની જિઓ પોતાના વપરાશકર્તાઓને આ રાહત ક્યારે આપે છે.


તમામ ટેલિકોમ કંપનીઓએ એક મહિનાની વેલિડિટી પ્લાનમાં 1000 ઓફ-નેટ ફ્રી મિનિટની ઓફર કરી હતી. જ્યારે ત્રણ મહિનાની વેલિડિટીના પ્લાનમાં 3,000 ઓફ-નેટ ફ્રી મિનિટ અને એક વર્ષના પ્લાનમાં 12,000 ઓન-નેટ ફ્રી મિનિટની જાહેરાત કરી હતી. જોકે હવે નવા પ્લાન લોન્ચ થયા બાદ એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના તમામ પ્લાનમાં અમર્યાદિત વોઇસ કોલિંગની ઓફર કરી છે. એટલે કે વપરાશકર્તાઓ હવે કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઇસ કોલિંગનો આનંદ માણી શકશે.