Amazon Layoffs Update: એમેઝોન (Amazon) તરફથી ફરી એકવાર છટણીના સમાચાર સામે આવી રહ્યા છે. એમેઝોન તેના અલગ-અલગ વિભાગોમાંથી આશરે 9000 લોકોને છૂટા કરવાની તૈયારી કરી રહ્યું છે. મોટાભાગની છટણી એમેઝોન વેબ સર્વિસ, એક્સપીરિયન્સસ એડવર્ટાઈઝમેન્ટ અને ટીસ્વીચમાં કરવામાં આવશે. એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં છટણીને લઈને આ વાત કહી છે. તેમણે કહ્યું છે કે લાંબા ગાળે કંપનીની સફળતા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. આ પહેલા પણ એમેઝોનમાં છટણી કરવામાં આવી હતી.
નવેમ્બર 2022ની શરૂઆતમાં એમેઝોને વિભાગોમાંથી લગભગ 18,000 લોકોને છૂટા કર્યા હતા
આ પહેલા નવેમ્બર 2022ની શરૂઆતમાં એમેઝોને તેના વિવિધ વિભાગોમાંથી લગભગ 18,000 લોકોને છૂટા કર્યા છે. તમામ લેવલના કર્મચારીઓ એટલે કે ગ્રેડ 1 થી ગ્રેડ 7 સુધીના કર્મચારીઓ આ છટણીથી પ્રભાવિત થયા હતા. એમેઝોને મેનેજરોને કર્મચારીઓના પરફોર્મન્સમાં આવી રહેલી સમસ્યાઓને ઓળખવા કહ્યું હતું. એમેઝોનના સમગ્ર વિશ્વમાં 1.5 મિલિયન કર્મચારીઓ છે. જે કર્મચારીઓની છટણી કરવામાં આવશે તેમને 24 કલાકની નોટિસ અને સેવેરેંસ પે આપવામાં આવશે. એમેઝોનના ઈતિહાસમાં આ પાંચમી સૌથી મોટી છટણી હશે.
કંપની માટે ખર્ચમાં ઘટાડો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ
એન્ડી જૈસ્સીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં પડકારરુપ પરિસ્થતિ બનેલી છે જેના કારણે આ વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે જબરદસ્ત હાયરિંગ કર્યું હતું. 30 નવેમ્બરના એનવાયટી ડીલબુક સમિટમાં એન્ડી જેસીએ છટણીનો બચાવ કરતા કહ્યું કે કંપની માટે ખર્ચમાં ઘટાડો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મેટાએ પણ 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી
ગત સપ્તાહમાં ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપની ભૂતકાળમાં 11,000 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમના કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું છે કે, અમે અમારી ટીમની સંખ્યામાં 10,000નો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, એવી 5,000 પોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે અત્યાર સુધી ભરતી કરવામાં આવી ન હતી.
વિશ્વવ્યાપી મંદીને કારણે, ઘણી મોટી અને સ્ટાર્ટઅપ કંપનીઓ તેમના કર્મચારીઓને છટણી કરી રહી છે. આ પ્રક્રિયા વર્ષ 2022 માં શરૂ થઈ હતી અને અત્યાર સુધી ચાલુ છે.