ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અમૂલ બ્રાંડના દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજથી અમલમાં આવશે. અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દિલ્લી એનસીઆરમાં વેચાતા અમૂલના દૂધને આ ભાવ વધારો લાગુ પડશે. આ વિસ્તારના દૂધના કુલ માર્કેટિંગમાં અમૂલનો હિસ્સો સૌથી વધુ છે.


આ પ્રકારના દરેક વિસ્તારમાં આ ભાવ વધારો લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમૂલના એમડી આર.એસ. સોઢીના જણાવ્યા અનુસાર એક વર્ષ અને પાંચ મહિના બાદ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મહત્તમ છુટક વેચાણ કિંમતમાં ચાર ટકા સુધીનો વધારો દર્શાવે છે.


રાજ્યમાં સુરત, મહેસાણા, વડોદરા અને આણંદ સહિતના અન્ય વિસ્તારોમાં દૂધના ભાવમાં  અગાઉથી જ વધારો કરી દેવામાં આવ્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ગુજરાત, રાજસ્તાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી રોજના 250 લાખ લિટર દૂધ એકત્રિત કરે છે. આ દૂધને પેશ્ચ્યુરાઈડ કરીને પેકિંગ કરીને દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં મોકલી આપે છે.


બીજી તરફ દૂધ સહકારી મંડળીઓમાં દૂધ ભરતા પશુપાલકો, ખેડૂતોને ચૂકવવામાં આવતી કિલોફેટ દિઠ કિંમતમાં 45થી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેની અગાઉ આપવામાં આવતી કિલો ફેટદીઠ કિંમત કરતા આ વધારો છ ટકા ઉંચો છે.


આ નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. આ ભાવ વધારા બાદ અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ રૂપિયા 29 થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ રૂપિયા 23 થયો છે.  તો અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ રૂપિયા 26 થયો છે.


અમુલ ડેરી બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. બરોડા ડેરીએ ગોલ્ડમાં ચાર રૂપિયા જ્યારે શક્તિમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા ટ્રાંસપોર્ટેશન સહિતનો ખર્ચ વધતા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જો કે અન્ય ચીજવસ્તુઓમાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.