નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન મારુતિ સુઝુકીના માનેસર પ્લાન્ટના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસો પહેલા જ પ્લાન્ટ થોડી છૂટછાટ સાથે શરૂ થયો હતો. કંપનીના જણાવ્યા પ્રમાણે કર્મચારીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ 50 દિવસના લોકડાઉનન બાદ માનેસર પ્લાન્ટ શરૂ કર્યો હતો. કંપનીના જણાવ્યા પ્રમાણે, માનેસર પ્લાન્ટના એક કર્મચારીનું 22 મેના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલ કર્મચારી હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત સ્થિર છે.


કંપનીના પ્રવક્તાએ કહ્યું, કોવિડ-19 પોઝિટિવ કર્મચારીને સરકારી દિશા નિર્દેશ પ્રમાણે તમામ તબીબી સહાયતા અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એક કર્મચારી પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા અન્ય લોકો પણ પોઝિટિવ હોઈ શકે છે. આ માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. તમામ કર્મચારીઓને ફરજિયાત માસ્ક પહેરવા અને સેનિટાઇઝનો ઉપયોગ કરવા જણાવાયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,31,868 પર પહોંચી છે. 3867 લોકોના મોત થયા છે અને 54,440 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 73,560 એક્ટિવ કેસ છે.