ન્યૂયોર્કઃ અમેરિકામાં રંગભેદની સમસ્યા ગંભીર છે. આ વાતનો પુરાવો આપતી ઘટના ભારતના ટોચના ઉદ્યોગપતિ અને બિઝનેસમેન કુમાર મંગલમ્ બિરલા સાથે બની છે. બિરલા પરિવાર અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સ્કોપા રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો ત્યારે બ્લેક હોવાથી તેમને ખાવાનું નહોતું અપાયું. ત્રણ કલાક બેસાડી રખાયા પછી બિરલા અને તેના પરિવારને બહાર કાઢી મૂકાયા હતા.


કુમાર મંગલમની દીકરી અનન્યાએ અમેરિકાની આ રેસ્ટોરન્ટ સામે ગંભીર આરોપ મૂકવતી ટ્વીટ કરી તેના કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે. અનન્યાએ કહ્યું હતું કે વેઈટરે બિરલા પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. બિરલા પરિવાર ભારતમાં ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન પામે છે અને 50 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

કુમાર મંગલમ્ બિરલાની દીકરી અનન્યા બિરલા ગાયિકા છે. અનન્યાએ ટ્વિટરમાં લખ્યું છે કે, કેલિફોર્નિયામાં આવેલી સ્કોપા રેસ્ટોરન્ટે તેને અને તેના પરિવારને બહાર કાઢી મૂક્યા હતા. રંગભેદના કારણે અમેરિકન રેસ્ટોરન્સમાં તેની સાથે અત્યંત ખરાબ વર્તન થયું હતું. રેસ્ટોરન્ટ ગ્રાહકો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે, જે બિલકુલ યોગ્ય નથી.

અનન્યાએ સ્કોપા રેસ્ટોરન્ટના માલિકને ટેગ કરીને બીજી ટ્વિટમાં લખ્યું કે, તેણે રેસ્ટોરન્ટમાં ૩ કલાક સુધી ભોજનની રાહ જોઈ હતી. વેઈટર જોશુઆ સિલ્વરમેને મારી મમ્મી સાથે ખૂબ જ તોછડું વર્તન કર્યું હતું.

અનન્યાની ટ્વિટ પછી તેમની મમ્મી નીરજા બિરલાએ પણ ટ્વીટરમાં રેસ્ટોરન્ટના વર્તનની ઝાટકણી કાઢી હતી. કુમાર મંગલમ્ બિરલાના પુત્ર આર્યમાન બિરલાએ પણ અનન્યાની ટ્વિટને રિટ્વિટ કરતા કહ્યું હતું કે, અમેરિકામાં રંગભેદ હજુય જોવા મળે છે. બિરલા પરિવારની ટ્વિટ્સ પછી ભારતની ઘણી સેલિબ્રિટીઝે તેમના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. રેસ્ટોરન્ટ કે રેસ્ટોરન્ટના માલિકે આ અંગે કોઈ જ જવાબ આપ્યો નતી કે માફી માગી નથી.