ફિઝિકલ ગોલ્ડ
તમે તેને જ્વેલરી અથવા ગોલ્ડ બિસ્કીટ અને સોનાના સિક્કાના રૂપમાં ખરીદી શકો છો. ઝવેરીઓ સિવાય તમે અમુક બેંકો પાસેથી પણ સોનાના સિક્કા પણ ખરીદી શકો છો. ઘણા જ્વેલર્સ તમને ઓનલાઇન સોનું ખરીદવાની પણ સુવિધા આપે છે. આ સોનું તમારા ઘરે પહોંચાડી દેવામાં આવે છે. જ્યારે આ પ્રકારનું સોનું ખરીદતા હો ત્યારે સૌથી મોટી સમસ્યા તેને સુરક્ષિત રાખવાની છે કારણ કે, તે ચોરી થવાનો અથવા ખોવાઈ જવાનો ડર રહે છે.
ગોલ્ડ ETF
ગોલ્ડ ETF એટલે કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ. તેમાં સ્ટોક્સની જેમ જ રોકાણ કરી શકાય છે. ગોલ્ડ ETFની કિંમત સોનાના ભાવ પર નિર્ભર હોય છે. રોકાણ માટે ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ જરૂરી હોય છે. એકસાથે કે નિયમિત સમયગાળા માટે રોકાણ કરી શકાય છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ
આ બોન્ડ ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવે છે અને સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ કરવામાં આવે છે. તમે એક ગ્રામ સોનું પણ ખરીદી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડ એ સરકારી બોન્ડ છે. તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નહીં પરંતુ સોનાના વજનમાં હોય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનાનો હોય તો પાંચ ગ્રામ સોનાનો જેટલો ભાવ હશે એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે સેબીના અધિકૃત બ્રોકરને ઇશ્યૂની કિંમત ચૂકવવી પડશે. બોન્ડ વેચી દીધા બાદ નાણાં રોકાણકારોના ખાતાંમાં જમા થાય છે. આ બોન્ડ ભારતીય રિઝર્વ બેંક સરકાર વતી બહાર પાડવામાં આવે છે.